મોરબીનું ઐતિહાસિક મણી મંદિર 22 વર્ષ બાદ સામાન્ય લોકોના દર્શન માટે ખોલવામાં આવ્યું હતું.છેલ્લા કેટલાક દિવસોથી લોકો મણી મંદિરની મુલાકાત લઈ રહ્યા હતા. રવિવારે તેમાં મોટા પાયે ધસારો વધી ગયો હતો અને દિવસ દરમિયાન મોટા પાયે ભીડ ઉમટી પડી હતી.તો આ લોકોની સાથે કેટલાક ટીખળખોર પણ ઘુસી ગયા હતા અને જે જગ્યા પર પ્રવેશ પ્રતિબંધ મૂક્યો હતો ત્યાં પણ ઘૂસી ગયા હતા અને દરવાજાના તાળાં તોડી નુકશાન પહોચાડ્યું હતું. આ ઘટના બાદ મંદિરના વ્યવસ્થાપકોએ સોમવારથી અનિશ્ચિત સમય માટે ફરી બંધ કરી. દીધું છે.
નોંધનીય છે કે મણીમંદિર મોરબીનો ઐતિહાસિક વારસો અને વાઘજી ઠાકોરના સ્થાપત્ય પ્રેમની મિસાલ છે. જેને રિનોવેશન કરાયા બાદ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેનો હેતુ એ હતો કે લોકો આ વિરાસત નજીકથી નિહાળી શકે પરંતુ અમુક ટીખળીઓના કરતૂતના લીધે ફરી એકવાર બંધ કરવાની નોબત આવી છે.
મોરબી શહેરની ઐતિહાસીક વિરાસત સમાં મણી મંદિરના દ્વાર 22 વર્ષ બાદ ફરી વાર લોકો દર્શન કરી શકે તે માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા . લાંબા સમય બાદ મંદિરના દ્વાર ખુલ્યા હોવાની જાણ થતા લોકો મોટી સંખ્યા મંદિરના દર્શનાર્થે પહોચ્યા હતા. તેમાં પણ રવિવારે જાણે રીતસરનો મેળાવડો જામ્યો હોય તેમ દર્શન અર્થે પહોચી જતા મંદિરના સિક્યુરીટી સ્ટાફ તેમજ પોલીસ જવાન પણ વ્યવસ્થા જાળવવા મુકવા પડ્યા હતા, તેમ છતાં અવ્યવસ્થા સર્જાઇ હતી.
જો કે લોકોની સંખ્યા વધી જતા અવ્યવસ્થા સર્જાઈ હતી તેમજ દર્શને આવેલા લોકો એ જે જગ્યાએ પ્રતિબંધ મુક્યો હતો ત્યાં પણ તાળાં તોડી પહોંચી ગયા હતા જેના કારણે પ્રોપર્ટીને નુક્શાન થયું હતું જે બાદ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા સોમવારથી મણી મંદિરના દ્વાર રીનોવેશન માટે ફરી બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ રિનોવેશન બાદ ફરી આગામી સમયમાં ક્યારે શરુ કરવામાં આવશે તે અંગે નિર્ણય લઇ જાણ કરવામાં આવશે તેમ મણીમંદિરમાં વ્યવસ્થાપક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.