કોંગ્રેસની કારોબારી બેઠક:મોરબીમાં રવી પાક માટે પાણી, ગેસના વધતા ભાવ મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસની કારોબારી બેઠકમાં ઉદ્યોગકારો, મહિલાઓની સમસ્યા મુદ્દે જવાબ માગવા તખ્તો ઘડાયો

મોરબીમાં દિવાળી બાદ પ્રથમ વખત મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી હતી, જેમાં આજની પરિસ્થિતિને ધ્યાને લઇ મોરબી જિલ્લાના ખેડૂતો,ઉદ્યોગકારો, વિદ્યાર્થીઓ, નોકરીયાત મહિલાઓ વગેરેના પ્રશ્નોને લઈ આગામી દિવસોમાં સરકારને ઘેરવા તૈયારી શરૂ કરી છે. મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે.

અને અસામાજિક તત્વોએ માઝા મૂકી છે.મોરબી જિલ્લાની ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ છે ત્યારે સરકારએ આ બાબતે કડક કાર્યવાહી કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા માટે કાર્યવાહી કરવી જોઈએ. જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ દિન પ્રતિદિન વઘતું જાય છે ત્યારે રોડ રસ્તા પર અડિંગો જમાવી વાહનો પડ્યા રહે છે તે દૂર કરવા અને રોડ રસ્તા પર અકસ્માત ટાળવા તમામ પ્રકારના કડક પગલા લેવામાં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર ખેડૂત બરોબર રીતે લઈ શકે તે માટે થઇને આ શિયાળુ પાક માટેનું વાવતેર કરવા માટે કેનાલ દ્રારા તાત્કાલિક અસરથી પાણી છોડવામાં આવે અને જે કેનાલ તૂટી ગઇ છે તે કેનાલનું સમારકામ કરવામાં આવે. હાલ ખેડૂતોને સિંચાઇના પાણીની તાતી જરૂર હોય તો તત્કાલિક ખેડૂતોને પુરતું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા લાગતા વળગતા વિભાગને સૂચના આપી ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવે, કેનાલમાં ગાબડાં પડી ગયા છે તે ગાબડાં તાત્કાલિક રીપેર કરવામાં આવે જેથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને પાકને પાણી ન મળવા ના કારણે નુક્શાન થતું બચાવવા મત વ્યક્ત કર્યો.

આ ઉપરાંત ગુજરાતમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતાં ગેસનો ભાવ અવારનવાર વધારવામાં આવી રહ્યો છે, જેના કારણે સિરામિક ઉદ્યોગ મૃતપાય હાલતમાં ઘકેલાઇ ગયો છે, ગેસ કંપની દ્વારા વારંવાર ભાવ વધારો કરાઇ રહ્યો છે. આ ઉદ્યોગ ચીનની સામે સ્પર્ધામાં ટકી શકે તે માટે થઈને ગેસ કંપની દ્વારા થયેલ ભાવ વધારો પરત ખેંચવો જોઈએ અને ગેસ કંપની દ્વારા નોટિસ આપ્યા વગર ગેસના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવો જોઈએ નહિ તે બાબતનો ઠરાવ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત રાજયમાં વધતા બેરોજગારી,મોંઘવારી,ભ્રષ્ટાચાર સહિતની અલગ અલગ સમસ્યા બાબતે ઠરાવ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...