નિમણૂંક:મોરબી શહેરમાં અંતે ફાયર વિભાગમાં ક્વોલિફાઈડ સ્ટાફની ભરતી કરાઇ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગ લાગે ત્યારે કૂવો ખોદવા નહીં બેસવું પડે, સબ ફાયર ઓફિસર સહિત 16ના સ્ટાફની નિમણૂંક
  • સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા શહેરમાં આધુનિક સાધનો સાથે નવા ફાયર સ્ટેશન ઊભા કરવા માગણી

ઝડપથી વિકસી રહેલા મોરબી શહેર તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તાર આગની દુર્ઘટનાને પહોંચી વળવા મોરબીના ફાયર વિભાગ ક્વોલિફાઈડ સ્ટાફ અને સાધનો વિના ખૂબ નબળું પુરવાર થઇ રહ્યું હતું. જેના કારણે આગની ઘટનાઓમાં મોટું નુકસાન થતું. ત્યારે હવે મોરબી ફાયર બ્રિગ્રેડની આવી કંગાળ હાલત હવે ભૂતકાળ બની ગઈ છે. જેમાં ફાયર બ્રિગ્રેડનું એકદમ નવું સેટઅપ ઉભું કરાયું છે. ફાયર ઓફિસર સહિતના ક્વોલિફાઇડ સ્ટાફની નિમણુંક કરતા હવે બિન અનુભવી સ્ટાફની બાદબાકી થઈ ગઈ છે.પણ હવે સામાકાંઠે ઝડપથી નવું ફાયર સ્ટેશન બનાવવાની માંગણી ઉઠી છે.

સિરામિક નગરી મોરબી બહુમાળી ઇમારતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. બીજી તરફ ઔદ્યોગિક ઝોન હોવાના કારણે આવા વિસ્તારમાં પણ આગ અકસ્માતની ઘટના બનતી રહે છે. વિકાસ સામે મોરબીનું ફાયર બ્રિગ્રેડ જૂની પુરાણી પદ્ધતિમાંથી ઊચું આવ્યું ન હતું.ખાસ કરીને શહેરમાં અસંખ્ય બહુમાળી ઇમારતો સામે ફાયર બ્રિગ્રેડ સક્ષમ જણાતું ન હતું. નબળા અપુરતા સાધનો અને બિન અનુભવી ગેરેજ સ્ટાફ તેમજ અન્ય કોન્ટ્રાક્ટ બેઇઝ સ્ટાફને કારણે આગની મોટી દુર્ઘટનાઓને પહોંચી વળવા ફાયર વિભાગ નબળું પડતું હતું.

લાંબી ઇંતેજારી બાદ પણ હવે મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગનું નવું સેટઅપ ઉભું કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાજ્યમાં જે જગ્યાએ ફાયર બ્રિગ્રેડમાં ફાયર ઓફિસર સહિતનો સ્ટાફ ઘટતો હોય ત્યાં નવા સ્ટાફની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી ફાયર બ્રિગ્રેડમાં ફાયર ઓફિસર સહિતનો ક્વોલિફાઇડ સ્ટાફ લાંબા સમયથી ન હોવાથી મોરબી ફાયર બ્રિગ્રેડમાં ફાયર ઓફિસર સહિત 16 જેટલી ખાલી જગ્યાએ નવા સ્ટાફના ભરતી કરવામાં આવી છે.

આ માટે લેખિત અને મૌખિક પરીક્ષા લેવામાં આવી હતી અને બાદમાં ગત તા.4 ના રોજ સ્થળ પસંદગીનો કેમ્પ યોજાયો હતો.જેમાં મોરબી ફાયર બ્રિગ્રેડમાં એક સબ ફાયર ઓફિસર, એક વાયરલેસ ઓફિસર, એક લીડીગ ફાયરમેન, ત્રણ ડ્રાઇવર કમ ઓપરેટર, 10 ફાયરમેન કમ ડ્રાઇવરની નિમણુંક કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અંગેનો વિસ્તૃત અહેવાલ દિવ્ય ભાસ્કરમાં થોડા સમય પહેલાં આવ્યા બાદ તંત્ર હરકતમાં આવી ગયું હતું અનેે ગંભીરતાથી વિચારણા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...