મોરબીના ચાચાપર ગામની સીમમાં વોંકળામાંં એક યુવકની લાશ પડી હોવાની ઘટનામાં હત્યા કે આત્મહત્યાની દિશામાં પોલીસે સઘન તપાસ આરંભી હતી અને તેમાં જાણવા મળ્યું હતું કે મૃતકના ભાઇએ જ તેની હત્યા કરીને લાશ વોંકળામાં ફેંકી દીધી હતી. માતા સાથે ખરાબ કૃત્ય કરવાનો પ્રયાસ કરનાર સગો ભાઇ ઝઘડાખોર સ્વભાવનો હતો અને અવારનવાર ઘરમાં માથાકૂટ કરવાની ટેવ ધરાવતો હતો.
આથી ભાઇ આવા નરાધમની હરકતોથી કંટાળી ગયો હતો અને તાજેતરમાં માતાને ગંદી નજરથી જોવાનું કૃત્ય કરવા જતાં ભાઇનો પિત્તો ગયો અને તેણે ગળું દબાવી દીધાની કેફિયત પોલીસને આપી હતી અને કેસની ગુત્થી ઉકેલાઇ હતી. પોલીસે મૃતકના ભાઇ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં છેલાની વેણ તરીકે જાણીતા વોંકળામાંથી શનિવારના રોજ રાજન અશોક મિશ્રા નામના એક યુવકની ગળું દબાવી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી.જે બાદ આ ઘટનામાં પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, બીજી તરફ પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારી હકિકત સામે આવી હતી. મૃતકના મિત્ર રાજેશ ઉમેશપ્રસાદ પાંડેએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ મૃતક રાજન મીશ્રા, તેમના ઘરના માણસોને હેરાન કરતો હોય અને અને તેની જ માતા સાથે બે વાર ખરાબ કામ કરવાની કોશીશ કરી હતી જેથી રાજનને તેના ભાઈ આનંદ અશોક મિશ્રા સાથે પણ ઝઘડો પણ થયો હતો. અવારનવાર ભાઈ સાથે ઝઘડાને કારણે આરોપી આનંદ કંટાળી ગયો હોય જેથી ખુદ તેના જ ભાઈ રાજન મીશ્રાને સફેદ ગમછાથી (કપડાથી) ગળે ટુંપો દઈ હત્યા કરી નાખી હતી.
બાદમાં પોતાના જ ભાઈને ઉપાડી વોંકળાના પાણીમાં કાદવ જેવા ભાગમાં નાખી દીધી હતી તેમજ સાથે સાથે ફરિયાદી રાજેશ પાંડેને પણ ધમકી આપી હતી કે કોઈને આ વાતની જાણ કરશે તો તેને પણ જાનથી મારી નાખશે.બનાવ અંગે તાલુકા પોલીસે આનંદ મિશ્રા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.