તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:મોરબી જિલ્લામાં વેક્સિનના જથ્થા અને કેન્દ્રની સંખ્યામાં રોજ વધઘટ, 3977 લોકોને જ મળી રસી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમુક કેન્દ્ર પર નિર્ધારિત કરતાં ઓછા ડોઝ આવતાં લોકોને પાછા જવું પડ્યું. - Divya Bhaskar
અમુક કેન્દ્ર પર નિર્ધારિત કરતાં ઓછા ડોઝ આવતાં લોકોને પાછા જવું પડ્યું.
  • જિલ્લામાં હવે સેકન્ડ ડોઝ લેનારાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ જરૂરિયાત કરતાં રસીનો સ્ટોક ઓછો આવતાં લોકોમાં ઉહાપોહ
  • લોકોને કોરોનાની રસીનો નહીં, મળે છે ધરમધક્કાનો ડોઝ

મોરબી જિલ્લામાં એક તરફ વેક્સિન લેનારની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ વેક્સિનનો જથ્થો જરૂરિયાત કરતા ઓછો મળતો હોવાની ફરિયાદ ઉઠી છે.ઓછા પ્રમાણમાં ડોઝ મળતા હોવાથી વેક્સિન સેન્ટરની સંખ્યામાં તેમજ તેમને ફાળવવામાં આવતા ડોઝમાં વધઘટ થઇ રહી છે. લોકો સવારમાં ટોકન માટે આવી રહ્યા છે અને એક જ વ્યક્તિ ટોકન લઇને જાય અને પરિવારના બાકીના સભ્યો વારો આવે એટલે આવીને રસી લઇ જાય, માટે લાઇન ઓછી રહે છે અને જ્યારે સ્ટોક ખૂટી જાય ત્યારે લોકોને ધરમનો ધક્કો થાય છે.

અમુક વખતે તો સવારથી જ લોકો કતારમાં ગોઠવાઇ જતા હોય છે અને એવું બને કે જ્યારે વારો આવે ત્યારે જાહેરાત થાય કે આવતી કાલે આવજો, રસી ખલ્લાસ છે. જો કે શહેરની નજીકના સેન્ટરમાં ઓછા ડોઝ હોવાના કારણે લોકો લાઇન ઉભા રહેવા મજબૂર બન્યા છે. બુધવારે 43 સેન્ટરમાં વેક્સિનેશન થયા બાદ ગુરુવારે તેમાં ઘટાડો કરી 36 કરી દેવામાં આવ્યા હતા, તેમાં પણ અમુક સેન્ટરમાં માત્ર 50 તો અમુક સેન્ટરમાં 100 જેટલા જ ડોઝ આપવામાં આવતા ટોકન લેવા આવેલા લોકો પણ પરત ફરી રહ્યા હતા.

મોરબી જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 3977 જેટલા લોકોને વેક્સિન મળી હતી. મોરબી જિલ્લામા જૂન મહિનામાં બીજા ડોઝ કરતા પ્રથમ ડોઝ મેળવનારની સંખ્યા વધુ આવતી હતી, જોકે ધીમે ધીમે બીજો ડોઝ માટેનો પણ સમય થતો હોવાથી તેઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આવેલા સેન્ટરમાં બીજો ડોઝ મેળવનાર સંખ્યા વધી છે. ગુરુવારે જિલ્લામાં 900 જેટલા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં તેમાં પણ વધારો થવાની સંભાવના છે.

આ લોકોને સમયસર બીજો ડોઝ મળી રહે તે માટે અગાઉથી આયોજન થાય તે જરૂરી બન્યું છે, અન્યથા વેપારીઓને પણ રસી લેવાની ઉતાવળ આવશે અને બીજો ડોઝ લેવા વાળા લોકોની પણ કતારો લાગશે, અને તંત્ર ક્યાંય પહોંચી વળશે નહીં. બીજી તરફ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને રસી લેવાની જાહેરાતના પગલે યુવાનો અને વેપારીઓ ઉમટી રહ્યા છે અને રસી ઓછી પડતાં દેકારો થવાની સંભાવનાને લીધે મોટાભાગના કેન્દ્રો પર પોલીસ તૈનાત રાખવામાં આવી રહી છે.

સમગ્ર જિલ્લા માટે 8500 ડોઝ ફાળવાયા
રાજય સરકાર દ્વારા જિલ્લામાં શુક્રવારે 8500 નવા ડોઝ ફાળવવામાં આવ્યાં છે અને આ ડોઝ અલગ અલગ સેન્ટર સુધી મોકલવામાં આવી ચૂક્યા છે. સૌથી વધુ મોરબી શહેર અને ગ્રામ્યના 13 સેન્ટરને ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ટંકારા તાલુકામાં 4,વાંકાનેર શહેર ગ્રામ્યમાં 9,માળિયા 3 અને હળવદના 6 સેન્ટર પર વેક્સિન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...