કાર્યવાહી કરવા માગણી:બગસરામાં જમીન પર દબાણ ખડકી દઇ આરોપીઓએ પિતા-પુત્રને ધમકી આપી

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરે અગર માટે ફાળવેલી જમીન પર પાંચ શખ્સે જમાવી દીધો કબજો
  • લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો નોંધવા કલેક્ટરને પુત્રની લેખિત માગણી

માળીયા તાલુકાના બગસરામાં મજૂરી કરતા યુવાને કલેક્ટર સમક્ષ મીઠા ઉત્પાદન કરી પરિવારનું ગુજરાન ચલાવવા જમીનની માંગ કરી હતી, જે જમીન મંજુર થઈ જતા પરિવારના લોકો ત્યાં જમીન પર કબજો લેવા અને આસપાસ સફાઈ માટે ગયા હતા. જો કે માળીયાના 5 શખ્સે યુવાનને ધમકાવી જમીન પર તેમનો કબજો હોવાનું જણાવી ડરાવી ભગાડી દીધા હતા, આ બાબતે યુવાને કલેકટરને ફરિયાદ કરી આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવા માંગ કરી હતી.

બગસરામાં રહેતા, મીઠાના અગરમાં મજૂરી કરતા કિશોરભાઈ વાઘેલાએ જિલ્લા કલેક્ટરના મીઠા પકવવા 10 એકર જમીન ભાડા પટે આપવા અરજી કરી હતી, જે અંગે કાર્યવાહી બાદ કલેક્ટરે જગ્યા અંગે હુકમ કરી દીધો હતો. આ બાદ કિશોરભાઈ અને તેના પરિજનો કલેક્ટરે ફાળવેલી જગ્યા પર મીઠું પકવવાની કામગીરી પૂર્વે જગ્યા વાળવા, પાળો બાંધવા ગયા હતા તે દરમિયાન, જુસબ આમદ મિયાણા, ડો. ઇકબાલ મિયાણા, ઉમર અલાયા જેડા, તાજ મહમદ ઉમરભાઈ જેડા, હુસેન સંઘવાણી સહિતના ધસી આવ્યા હતા અને આ જગ્યા તેમની હોવાનું જણાવી અહીં કોઈ પ્રવૃત્તિ ન કરવા ધમકી આપી હતી.

આરોપીઓએ અહીં પાછા આવશો તો જાનથી મારી નાખીશું તેવી અને તેમના પર અગાઉ અનેક કેસ હોય પોલીસ કંઈ નહીં કરી શકે તેવી શેખી મારી કિશોરભાઈ અને તેના પરિવારના સભ્યોને ધમકાવી ભગાવ્યા હતા. કિશોરભાઈએ જિલ્લા કલેક્ટરમાં ફરિયાદ કરી આરોપી વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ, ધાક ધમકી આપવાની કલમ હેઠળ ગુનો નોધી કાર્યવાહી કરવા માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...