નરમ ગરમ મૌસમ:ગરમીનો પારો ચડશે, હીટવેવની અસર વર્તાશે; તંત્ર દ્વારા તૈયારી શરૂ

મોરબી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હીટ વેવથી રક્ષણ મેળવવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક સૂચનો જાહેર કરાયા
  • મે અને જૂન મહિનામાં હિટવેવનો સામનો કરવો પડી શકે છે

રાજ્યભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે હાલ કમોસમી વરસાદની સીઝન ચાલી રહી છે.અનેક તાલુકાઓમાં હળવા ઝાપટા થી લઇ તોફાની વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાંક તાલુકાઓમાં દિવસ દરમિયાન વાદળ છાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. જેનાં કારણે ગરમીથી લોકોને સારી એવી રાહત મળી છે.જોકે ધીમે ધીમે હવે આ કમોસમી વરસાદનું જોર ઘટવાનું શરુ થઈ ચૂક્યું છે અને ફરી એકવાર ગરમીનુ જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગે દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લાની વાત કરીએ તો વાદળની આવન જાવન વચ્ચે સાંજના સમયે ઠંડા પવન ફુંકાયા હતા.શનિવારે મોરબી જિલ્લાનું મહતમ તાપમાન 35ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહ્યું હતુ.તો. ભેજનું પ્રમાણ 60 ટકા નોંધાયું હતું. જોકે હવામાન વિભાગે આજથી કમોસમી વરસાદની અસર ઓછી થવાની સંભાવના વ્યક્ત કરી છે જિલ્લામાં મે અને જૂન મહિનામાં હિટવેવનો પણ સામનો કરવો પડી શકે છે જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી છે. લોકોને પણ આગામી દિવસોમાં હિટવેવથી બચવા તાકીદ કરવામાં આવી છે.

આકરી ગરમીની આગાહીને પગલે તંત્રએ સાવચેતી માટે એડવાઈઝરી કરી જાહેર
ઉનાળાની શરૂઆત શરૂ થઈ ચૂકી છે, હળવે હળવે ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે ગરમીની ઋતુ દરમિયાન તાપમાનનો પારો મહત્તમ મર્યાદાથી વધી જાય ત્યારે હીટ વેવની સંભાવના રહે છે. જેથી સંભવિત હીટ વેવથી રક્ષણ મેળવવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક સૂચનો જાહેર કરાયા છે. જેને અનુસરવાથી હીટ વેવથી બચી શકાય છે.તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. વાઈ, હૃદય, કિડની, લીવરના રોગ ધરાવતા વ્યક્તિ, કે જે પ્રવાહી પ્રતિબંધિત આહાર લેતા હોય તેમને તબીબનો સંપર્ક કરી પ્રવાહી આહારનું સેવન વધારવું જોઈએ. શરીરમાં પાણીનું પ્રમાણ વધારવા ORS (ઓરલ રીહાયડ્રેશન સોલ્યુશન), ઘરગથ્થુ પીણાં જેવા કે લસ્સી, ઓસામણ, લીંબુ પાણી, છાશ, નાળીયેરનું પાણી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.

વજનમાં હળવા, આછા રંગના, ખૂલતાં, કોટનના કપડાં પહેરવા જોઈએ
તડકામાં બહાર જતી વખતે કાપડ, ટોપી અથવા છત્રીથી માથું ઢાંકવું, આંખોના રક્ષણ માટે સનગ્લાસ તથા ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાથમિક સારવાર અંગે જાણકારી રાખવી જરૂરી છે. વડીલો, બાળકો, બીમાર, મેદસ્વી લોકોને હીટ વેવનો ખતરો વધુ હોવાથી તેઓની ખાસ કાળજી રાખવી જોઈએ.રાખવાની થતી અન્ય સાવચેતીઓમાં શક્ય તેટલું વધુ ઘરની અંદર રહેવું હિતાવહ છે. પરંપરાગત ઉપાયો જેમ કે ડુંગળીનું સલાડ તેમજ મીઠું અને જીરું સાથે કાચી કેરીનું સેવન કરવું, જે હીટ સ્ટ્રોક અટકાવી શકે છે. પંખા, ભીના કપડાંનો ઉપયોગ કરવો જોઈએ અને ઠંડા પાણીથી વારંવાર સ્નાન કરવું જોઈએ. ઘરે અથવા ઓફિસ આવતા વિક્રેતાઓ અને ડિલિવરી મેનને પાણી આપવું જોઈએ. જો ચક્કર આવે અથવા બીમારી જેવું લાગે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...