આડા સંબંધની શંકાએ પરિણીતાની હત્યા:હળવદ પંથકમાં અન્ય પુરૂષ સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

હળવદ પંથકમાં પત્નીને અન્ય પુરૂષ સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને આરોપી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહિ મૃતકના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી પતિએ અગાઉ પણ આડા સંબંધ મામલે ધમકીઓ આપ્યાનું જણાવ્યું છે જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો છે.

કપાળના ભાગે ગંભીર ઈજા થતાં મોત થયું
હળવદના ચરાડવા ગામની સીમમાં એક પરિણીતાની હત્યા થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જે હત્યા તેના પતિ છગન નવલાભાઈ ડામોર દ્વારા કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પરિણીતાના પિતા નગરાભાઈ તીતરીયાભાઈ ભાભોરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે પરિણીતાના પ્રથમ લગ્ન ધોળિયું ગામ અલીરાજપુરના વ્યક્તિ સાથે થયા હતા. જેમનું આજથી ત્રણેક વર્ષ પૂર્વે અવસાન થતા દીકરી ઘરે પાછી આવી હતી અને બાદમાં એક વર્ષ પહેલા તેની બાજુના પાનમ ગામના રહેવાસી છગન નવલા ડામોર સાથે લગ્ન થયા હતા.

મોઢાના ભાગે અને ગળાના ભાગે ઉઝરડાથી ઈજા
​​​​​​​આજથી એકાદ મહિના પહેલા દીકરીના ઘરવાળા છગનનો ફોન આવ્યો હતો. જેમાં ફરિયાદીની દીકરીને ગામના એક શખ્સ સાથે આડા સંબંધ છે જેથી તેને સમજાવજો કે આડા સંબંધ મૂકી દે અને આડા સંબંધ નહિ મુકે તો પરિણામ ખુબ ખરાબ આવશે તેમ વાત કરી હતી. બાદમાં દીકરીએ જણાવ્યું હતું કે પતિ છગન મને અને અન્ય શખ્સ સાથે આડા સંબંધ છે કહીને માર મારે છે અને મારો ઘરવાળો મને ગમે ત્યારે મારી નાખશે તેવી વાત દીકરીએ કરી હતી. જેમાં ગઈકાલે સોમવારના રોજ ગામના સરપંચે ઘરે આવી જણાવ્યું હતું કે તેની દીકરીનું ખૂન થઇ ગયું છે. ઉપરાંત તેણીને કપાળના ભાગે ગંભીર ઈજા થતાં મોત થયું હતું. તેમજ મોઢાના ભાગે અને ગળાના ભાગે ઉઝરડાથી ઈજા થઇ હતી.

આરોપી પતિ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
જેથી ફરિયાદીની દીકરીને તેના પતિ છગન ડામોરે ચરાડવા ગામની સીમમાં કોઈપણ વખતે આડા સંબંધ હોવાનો શક વહેમ રાખી હથિયાર વડે આખા શરીરે માર મારી ઈજા કરી મોત નીપજાવ્યું હતું. હળવદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં આરોપી પતિને ઝડપી લેવાયો છે અને આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...