મોરબીમાં ગુનાખોરીવધતાં લેવાયો નિર્ણય:પરપ્રાંતીય શ્રમિકોની નોંધણી કરવા માટે ખાસ એપ્લિકેશન બનાવાઇ: નામ, આધારકાર્ડ પરથી જાણી શકાશે લોકેશન

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય રાજ્યમાંથી આવતા મજૂરોમાંથી જો કોઇનો ઇતિહાસ કલંકિત હશે તો પહેલેથી જ પકડી શકાશે
  • સિરામિક એસોસિએશને એપ બનાવી, 300 ઉદ્યોગકારે કરાવ્યું રજિસ્ટ્રેશન: પરપ્રાંતીયોની માહિતી પોલીસને પણ આપવા કલેક્ટરનું ફરી જાહેરનામું

ઉદ્યોગનગરી મોરબીના સિરામીક, પેપરમિલ,બાંધકામ સહિતના ઉધોગમાં કામ કરતા લાખો મજૂર એમપી, યુપી, બિહાર, રાજસ્થાન, ઓરિસ્સા સહિત દેશના અનેક રાજયમાંથી મજૂરી માટે આવતા હોય છે તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં દર વર્ષે દાહોદ ગોધરા પંચમહાલ જિલ્લામાથી મજૂર આવે છે. જો કે આ મજૂરોમાંથી ઘણા બધા મજૂરો એવા હોય છે જે તેમના વતનમાં કોઈના કોઈ ગુનામાં સંડોવાયેલા હોય છે અને અહીં ભાગીને આવેલા હોય છે.જેમાથી કેટલાક તો રીઢા ગુનેગાર જ હોય છે. આવા લોકો અહીં આવીને પણ ગુનાહિત કૃત્ય કરતા હોય છે.

મોરબી જિલ્લામાં પણ તેની અસર દેખાઈ રહી છે.મોરબી જિલ્લામાં લૂંટ, ચોરી, હત્યા સહિતના બનાવ છેલ્લા વર્ષોમાં વધ્યા અને તેમાં પરપ્રાંતિય લોકોનું પ્રમાણ પણ વધ્યું છે. મોરબી જિલ્લામાં કલેક્ટર દ્વારા અવારનવાર મજુરની નોંધણી કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે. જો કે ઉદ્યોગકારો આ જાહેરનામું ધોળીને પી જતા હોય તેમ મજૂરોની નોંધણી થતી નથી.અંતે સિરામિક એસોસિએશન દ્વારા એક એપ્લિકેશન વિકસાવી છે. હાલ મોરબીના 300 જેટલા સિરામિક ઉદ્યોગકારોએ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ ઉદ્યોગકારો તેની ફેકટરીમાં કામ કરતા મજૂરોની નોંધણી કરશે, જેમાં મજૂરોના આધારકાર્ડ નમ્બર ,તેના ફોટોગ્રાફ, તેનું વતન સહિતની માહિતી સ્ટોર કરવામાં આવશે. એકવાર મજૂરની નોંધણી થયા બાદ કોઈ પણ ઉદ્યોગકારને માત્ર મજૂરના નામ અને આધારકાર્ડ આધારે તેની નોંધણી થઈ છે કે કેમ તે અંગે જાણકારી મળી શકશે.જ્યારે કોઈ મજૂર એક ફેકટરીમાંથી બીજી ફેકટરીમાં મજૂરી કામ માટે જશે ત્યારે જે ફેક્ટરીમાં તેનું નામ હશે આધાર કાર્ડ નમ્બર પરથી રિમુવ કરી શકશે અને જે ફેકટરીમાં કામ માટે જશે ત્યાં નોંધણી કરી શકશે તેમજ આ એપ્લીકેશન પોલીસને પણ પહોંચાડવામાં આવશે જેના કારણે કોઈ પણ મજૂરની શોધખોળ કરવી હોય તો માત્ર નામ અને આધારકાર્ડ આધારે જ તેનું લોકેશન પણ મળી શકશે.

કારીગરોની નોંધણી માટે 15 દિવસની મુદત
જિલ્લાના અધિક કલેક્ટર અને મેજિસ્ટ્રેટ, ડી.એ.ઝાલા દ્વારા તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જે અનુસાર તમામ સેકટરના માલીકોને કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં 15 દિવસમાં આપવાની રહેશે. આ ઉપરાંત http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક ઓપન કરી જે તે માલીકોએ મજુરોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, લીંક એન્ડ્રોઈડ ફોન http://play.google.com./store/apps/details?id=com.morbi_eye પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે.

ફેકટરીઓમાં નોંધણી પ્રક્રિયા ચાલુ છે
મોરબીમાં મોટી સંખ્યામાં મજૂર કામ કરે છે અને તેમની નોંધણી માટે મોરબી એસ્યોર નામની એપ્લીકેશન વિકસાવી છે અને તેમાં દરેક ફેકટરીમાં કામ કરતા મજૂરોની નોંધણી થશે અને સાથે રાઇટ્સ પોલીસની સાથે પણ શેર કરવામાં આવશે. કોઈ ગુનામાં મજૂરની સંડોવણી માલૂમ પડશે તો તેના સુધી પોલીસ સરળતાથી પહોંચી શકશે, આ ઉપરાંત જે મજૂર માત્ર મજૂરીના ઉદ્દેશથી આવે છે, તેમની નોંધણી થવાથી રાત્રીના સમયે આવવા જવામાં તેઓ પણ કોઈ પણ મુશ્કેલી નહિ પડે. > મુકેશ કુંડારીયા, પ્રમુખ,સિરામિક એસોસિએશન, મોરબી

અન્ય સમાચારો પણ છે...