મોરબીના સિરામિક એસોસિએશન હોલ ખાતે આયોજિત સેમીનારમાં ઉપસ્થિત મહેમાનોમાં સિરામિક એસોસિએશનના પ્રમુખ કિરીટ પટેલે પત્રકારો સમક્ષ ફેક ન્યુઝ, ગળાકાપ હરીફાઈ સહિતના મુદ્દા રજૂ કર્યા હતા. જ્યારે જિલ્લા પોલીસ તંત્ર વતી ડીવાયએસપી પી.એ. ઝાલાએ બી પોઝીટીવ મંત્ર આપીને માહિતી કેવી રીતે પહોંચાડવી જેથી લોકો પોઝીટીવ રીતે તે માહિતી મેળવી સકે તે અંગે માહિતી આપી હતી. તેમજ માહિતી મળતા તુરંત તે આગળ પહોંચાડવાને બદલે વેરીફાઈ કરવા પર ભાર મુક્યો હતો. તેઓએ પોક્સો એક્ટ, સ્ત્રીઓ સાથે થતી છેડતી અને દુષ્કર્મ જેવા ગુનાઓના રીપોર્ટીંગ સમયે કેવી તકેદારી રાખવી, કાયદો શું કહે છે તેની માહિતી પૂરી પાડી હતી. સાથે જ આઈટી એક્ટમાં કેવા પ્રકારની માહિતી શેર કરવાથી ગુનો બને છે, તેનું પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મોરબીના પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાએ મોરબીના હકારાત્મક પત્રકારત્વના વખાણ કર્યા હતા. મોરબીના પત્રકારો તંત્રને યોગ્ય સહયોગ આપતા હોવાનું જણાવ્યું હતું. તો સાથે પ્રશ્નાર્થ મુકીને સમાચાર મુકવા સમયે કોઈને નુકશાન તો નથી થતું ને? તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ખરાઈ કરીને બાદમાં જ લોકો સુધી સમાચાર પહોંચાડવા જોઈએ તેના પર ભાર આપી સમાચારોમાં ગુનેગારના જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ પણ ટાળવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.
જ્યારે આ સેમીનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા શિરીષ કાશીકરે પત્રકારો સાથે ગોષ્ઠી કરતા જણાવ્યું હતું કે, પત્રકાર તરીકે અપડેટ થતા રહેવું જરૂરી છે. પત્રકાર લોકમતનું ઘડતર કરે છે અને લોકો પણ તેના પર ભરોસો કરતા હોય છે. ગુનાખોરીના સમાચારો સમયે જ્ઞાતિના ઉલ્લેખથી પત્રકારો પણ જાણે-અજાણે તે પ્રવૃતિને પ્રોત્સાહન પૂરું પાડતા હોય છે, તેનાથી બચવું જોઈએ. તો સેક્સ હંમેશા વેચાય છે, તેમ જણાવીને ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં છેડતી અને દુષ્કર્મ કેસમાં ઘટનાનું વર્ણન કરવું જરૂરી નથી હોતું છતાં કરવામાં આવે છે જે યોગ્ય નથી.
પત્રકારો માટે મુખ્ય મુદ્દો જવાબદારીનો છે. જવાબદારી પૂર્વક રીપોર્ટીંગ ના થાય ત્યાં સુધી તકલીફો રહેશે. આજના ડીજીટલ મીડિયા વિશે જણાવ્યું હતું કે, તેમાં સ્પીડ તેની તાકાત છે, ઝડપ છે, તે મળે છે, પરંતુ ફરી અહી પણ વિશ્વસનીયતાનો જ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. ખરાઈ કર્યા પછી સમાચાર મોકલવા તે સિધ્ધાંત ભૂલાતો જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.