વાંકાનેર પંથકમાં ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પાંચ ઇસમોએ ગુનાહિત કાવતરું રચીને માલિકીની જમીન હડપ કરી જવાના ઈરાદે જીવિત દંપતીને કાગળ પર મૃત દર્શાવ્યું હતું અને માલિકીની કરોડોની જમીન પચાવી પાડવામાં આવી હતી. જે મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ વાંકાનેરના દીવાનપરાના રહેવાસી અને હાલ મુંબઈ રહેતા રજનીકાંત સંઘવી નામના 92 વર્ષીય વૃદ્ધે આરોપીઓ સૂચિત જોષી, મોનાબેન મહેતા વાઈફ ઓફ રાજેશ મહેતા, કુસુમબેન મહેતા વાઈફ ઓફ રમેશકુમાર દંત્તાણી, રમેશ વડોદરીયા અને જયંતી સાકરીયા વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેઓ છેલ્લા ઘણા સમયથી વેપાર ધંધા અર્થે મુંબઇ ખાતે રહે છે. તેમનું મુળ વતન વાંકાનેર છે. જ્યાં તેમની વડીલો પાર્જીત મિલ્કતમાં મકાન શાન્તીસદ દીવાનપરા વાંકાનેરમાં આવેલ છે. આ ઉપરાંત વાંકાનેરમાં સર્વે નં. (1) રે.સ.નં. 10/2 પૈકી ૨ તથા (2) રે.સ.નં. 12 પૈકી 1 તથા (3) રે.સ.નં. 12 પૈકી 2 તથા (4) રે.સ.નં. 18 પૈકી 1 તથા (૫) રે.સ.નં. 18 પૈકી 2 તથા (6) રે.સ.નં. 19 તથા (7) રે.સ.નં. 20 તથા 8) રે.સ.નં. 25/1 પૈકી 4 તથા (9) રે.સ.નં. 25/1 પૈકી 6 સહિત કુલ નવ જમીન તેમના નામની છે.
તાજેતરમાં રજનીકાંત વાંકાનેર ખાતે લગ્નપ્રસંગમાં આવ્યા હતા. ત્યારે તેમની જમીનના રેવન્યુ રેકર્ડમાં ખોટી રીતે નોંધ કરાવી રેન્યુ રેકર્ડમાં ખોટા વ્યવહારો કરવામાં આવેલા છે. જેથી વાંકાનેર સબ રજીસ્ટારની કચેરીમાં તપાસ કરતા જાણવા મળેલ કે, તેમની તમામ સર્વે નંબર વાળી જમીનનો તારીખ 17/09/2022ના રોજ દસ્તાવેજ થઇ ગયો છે. જેમાં જમીન વેચનાર તરીકે મોના રજનીકાંત મહેતા કે જે રાજેશ મહેતાની પત્ની દર્શાવવામાં આવી છે અને કુસુમ રજનીકાંત મહેતા કે જેને રમેશ દંત્તાણીની પત્ની દર્શાવવામાં આવી છે. તેણે રાજકોટના સુચિત રમેશ જોષીને જમીન વેચી હતી અને સાક્ષી તરીકે રમેશ તથા જયંતીએ સહી કરી હતી.
રજનીકાંત અને તેના પત્ની કુસુમબેન હયાત હોવા છતાં બંનેના અમદાવાદ મહાનગર પાલિકાના ખોટા મરણ સર્ટિફિકેટ રજૂ કરી ખોટો આંબો પણ બનાવડાવ્યો હતો અને જમીન કોભાંડ આચરવામાં આવ્યું હતું. જે બનાવ મામલે વાંકાનેર સિટી પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.