સૌરષ્ટ્ર અને કચ્છ પંથકમાં લમ્પી વાઈરસે હાહાકાર મચાવ્યો છે અને રોગચાળો સતત વધી રહ્યો છે. ત્યારે સરકાર સબ સલામતના દાવા કરી રહી છે. તો વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝાએ કચ્છથી મોરબીની મુલાકાતે પધાર્યા હતા. જ્યાં યુવાનોની બેરોજગારી, નશાખોરી, લઠ્ઠાકાંડ અને લમ્પી વાયરસ મુદે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પત્રકાર પરિષદ યોજીને વિવિધ મુદે સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા.
અનેક મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યાં
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝા કચ્છથી મોરબીની મુલાકાતે પધાર્યા હતા. મોરબીમાં પણ લમ્પી વાઈરસનો રોગચાળો વધતો હોવાની સ્થાનિક આગેવાનોએ માહિતી આપતા તેઓ મોરબીની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ લમ્પી વાયરસ રોગ માર્ચ મહિનામાં શરુ થયો છતાં સરકારે ગંભીરતા દાખવી ના હોવાથી રોગચાળો વકર્યો છે. જેથી સરકારને પગલા લેવા ફરજ પાડવા કોંગ્રેસ આગેવાનો કાર્યરત જોવા મળે છે તે ઉપરાંત યુવાનોના રોજગારી મુદે પણ અનેક પ્રહારો કર્યા હતા.
યુવાનો આપઘાત કરે તે ચિંતાનો વિષય
પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે લમ્પી વાઈરસને કારણે મૃત્યુ ના થયા હોવાના સરકાર દાવા કરે છે, પરંતુ રોગચાળાને પગલે 20 થી 25 હજાર ગાયોના મૃત્યુ થયાનો તેમણે દાવો કર્યો છે ત્યારે આ મુદે ડીબેટ થાય જેમાં સરકારના પ્રતિનિધિ, પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો અને વિપક્ષ બેસે અને ગાયોને મોતથી બચાવવા શું કરી શકાય તેની ચર્ચા કરવી જરૂરી છે. પાંજરાપોળ અને ગૌશાળાને પ્રતિદિન 2 થી 2.5 લાખનો ખર્ચ હોય જેની પાસે હાલ રૂપિયા નથી, ઘાસચારો નથી એવી સ્થિતિ છે તેમજ સરકાર જાહેરાત કરી રૂપિયા આપતી ના હોય તો સરકાર રૂપિયા ના આપે તો સંસ્થાઓએ આગળ આવી ગૌધનને બચાવવું પડશે. તે ઉપરાંત યુવાનોના રોજગારી મુદે પણ સરકારને આડેહાથ લીધી હતી ગોંડલના ગ્રામ્ય પંથકનો યુવાન પરીક્ષાની તૈયારી કરતો હતો જેને આપઘાત કરી લીધો છે યુવાનો આપઘાત કરવા મજબુર બન્યા છે.
દારૂના ધંધામાં સંગઠન, પોલીસ અને બુટલેગરની ટકાવારી : જગદીશ ઠાકોર
મોરબીમાં જગદીશ ઠાકોરે દારૂના ધંધામાં કેવી ટકાવારી સીસ્ટમ ચાલે છે. તે અંગે પણ દાવો કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે દારૂના ધંધામાં પોલીસના 30 ટકા, સંગઠનના 30 ટકા અને 40 ટકા હિસ્સો બુટલેગરને મળે છે. ક્યાં કોણ દારૂનો વેપલો કરશે તે પણ ભાજપ સંગઠન નક્કી કરે છે, તેવા આક્ષેપો પણ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.