વિધાનસભા ચૂંટણી જાહેર થવાની સાથે મોરબી જિલ્લાની ત્રણ બેઠકમાં ફોર્મ ઉપાડવા અને જમાં કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે 9 ફોર્મ જ ઉપડ્યા હતા જે બાદ ધીમે ધીમે ફોર્મ ઉપાડવાની ગતિવિધિ વેગવંતી બની હતી અને અંતિમ દિવસ સુધીમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકમાં કુલ 80 ફોર્મ ભરાયા હતા.વિધાનસભા બેઠકમાં જોઈએ તો મોરબી વિધાનસભા બેઠકમાં 36,ટંકારામાં 18 અને વાંકાનેરમાં 26 ફોર્મ ભરાયા હતા.
મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ ભાજપા અપક્ષ ઉમેદવાર સહિત કુલ 55 ફોર્મ રજૂ થયા હતા.આ 55 ફોર્મમાં પણ મોરબીમાં સૌથી વધુ 28 ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો ટંકારા બેઠકમાં 14 અને વાંકાનેર બેઠકમાં કુલ 16 ફોર્મ ભરવામાંઆવ્યા હતા. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રિટર્નિંગ ઓફીસર કચેરી બહાર સવારથી ઉમેદવારો અને તેમના સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો જે બપોરે 3 વાગ્યા સુધી રહ્યો હતો. મંગળવારે ફોર્મ ચકાસણીનો દિવસ હોય, જેથી આ દિવસે એક ઉમેદવાર દ્વારા એક કરતાં વધુ ફોર્મ ભરવામાં આવ્યું હોય અથવા તો અધૂરી વિગતો વાળા કે ભૂલ ભરેલી વિગતો સાથેના ફોર્મ રદ કરવામાં આવશે અને બાકીના ફોર્મ માન્ય રાખવામાં આવનાર છે.
મોરબીથી ટંકારા સુધી બન્ને મુખ્ય પક્ષની રેલીના લીધે વાહનચાલકો પરેશાન
મોરબીથી ટંકારા સુધી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો રેલી સ્વરૂપે ફોર્મ ભરવા નીકળ્યા હોઇ, બન્નેનો સમય પણ એક રહ્યો હોઇ, લાંબા સમય સુધી આ માર્ગ રોકાઇ રહેતાં વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા દાવેદારોની દોટના લીધે સામાન્યજનોએ ભોગવવું પડ્યું હતું. વહેલી સવારે મોરબીથી રાજકોટ જતા અને રાજકોટથી મોરબી જતા વાહન ચાલકો ટ્રાફિકમા અટવાયા હતા. ખાસ કરીને ટંકારા મામલતદાર કચેરીએ બન્ને ભેગા થઇ જતાં વાહનોનો વિશાળ જમાવડો થઇ ગયો હતો.
રાજકોટ જિલ્લાની ચાર બેઠક માટે કુલ 42 ફોર્મ ભરાયા, આજે ફોર્મની ચકાસણી
ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તિથિએ છેલ્લી ઘડીએ દાવેદારી નોંધાવવા માટે ઉમેદવારોએ દોટ લગાવી હતી અને મુખ્ય પક્ષ સહિત ચારેય બેઠક પર સોમવારે બપોરે મુદત પુરી થવા સુધીમાં કુલ મળીને 42 ફોર્મ રજૂ થયા હતા અને આજે મંગળવારે તમામ ફોર્મની વિધિવત ચકાસણી કરવામાં આવનાર છે. જેમાં ચૂક હશે તે ફોર્મ રદ કરવામાં આવશે. બેઠક વાઇઝ જોઇએ તો ગોંડલમાં 7, જસદણમાં 17, ધોરાજીમાં 21 અને જેતપુરમાં સાત ફોર્મ ભરાયા છે.
ગોંડલ યાર્ડ અને નગર પાલિકા કચેરીના કામ બંધ રખાયાનો કોંગ્રેસનો આક્ષેપ
સંવેદનશીલ ગણાતા ગોંડલમાંં આજે મુખ્ય ઉમેદવારોએ નામાંકન પત્ર રજૂ કર્યું હતું અને વિધિવત દાવેદારી નોંધાવી હતી. જો કે અે વખતે કોંગ્રેસના ઉમેદવાર યતિષ દેસાઇએ એક તબક્કે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના સભ્યોએ આજે લોકોની પરેશાની વધારી છે અને મહત્વના એવા માર્કેટિંગ યાર્ડના કામકાજ બંધ રાખ્યા હતા અને નગર પાલિકા કચેરીના સ્ટાફને પણ અહીં ચૂંટણીની કામગીરીમાં રોકી રાખ્યો હોવાથી સામાન્ય લોકોના કામ પ્રભાવિત થયા હતા અને બહારથી આવતા લોકોને ધક્કા થયા હતા જે વાજબી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.