મોરબીમાં રીલાયન્સ મોલના મેનેજરે કોસ્મેટીક પ્રોડક્ટના નામે વેપારી સાથે રૂ.17.35 લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વેપારીએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં વેપારી હિરેનભાઇ મનસુખભાઇ કાવરે જણાવ્યું હતું કે, તે કોસ્મેટીક આઈટમોનો વેપાર કરવાનો ધંધો કરે છે. તેણે મો૨બી મુકામે આવેલ રીલાયન્સ મોલમાંથી માલની ખરીદી કરવા માટે રીલાયન્સ મોલના મેનેજર સમયસીંગ મીનાને કટકે કટકે તા.09/07/2022થી 12/07/2022ના ગાળામાં રુ.17,35,000/- મોલમાંથી માલની ખરીદી કરવા માટે એડવાન્સમાં આપ્યા હતા. ત્યારબાદ તેમણે માલ માટે મેનેજરનો સંપર્ક કરતા કંપનીમાંથી માલ આવેલ નહી હોવાનુ મેનેજરે જણાવ્યું હતું.અને રીલાયન્સ કંપનીના 23 બીલની કોપી તેમને પૈસા જમા કરાવ્યા ત્યારે આપી હતી. અને જયારે માલની ડીલીવરી ત્યારે આ બિલ જમા કરાવવાનુ કહ્યું હતું.
ઓનલાઈન જુગારમાં બધા રુપિયા હારી ગયો મેનેજર
પાંચેક દિવસ સુધી તેમને માલની ડીલીવરી નહી મળતા તેમણે તા.16ના રોજ રુબરુ રીલાયન્સ મોલમાં જઈને સમયસીંગને મળતા માલ બે દિવસ પછી આવશે તેવુ જણાવ્યું હતું. જેથી હિરેનભાઈ એ રીલાયન્સ મોલના જનરલ મેનેજર વિમલભાઈ હાથીને મળી સમયસીંગે આપેલ માલના બીલ બતાવ્યા હતા. એ નિહાળી જનરલ મેનેજરે આવા કોઈ માલનો સ્ટોક હાજર નથી અને આ બીલ બોગસ છે તેમ કહી સમયસીંગ ને બોલાવી અસલ બીલની વીમલભાઈ હાથી એ માંગણી કરતા સમયસીંગ એ અસલ બીલ પોતાના ઘરે હોવાનુ જણાવતા વીમલભાઈ હાથી એ અસલ બીલ લઈ આવવાનુ કહ્યું હતું. એ સમયે હિરેનભાઈ વીમલભાઈ હાથી પાસે બેઠેલા હતા. થોડીવારમાં વીમલભાઈ હાથીના મોબાઈલમાં ફોન આવેલ અને આ સમયસીંગે ઝેરી દવા પી લીધેલ હોવાની વાત કરેલ. જેથી હાથીભાઈ તેને દવાખાને લઈ ગયેલ. આ સમયસીગે દવા પીતા પહેલા સ્યુસાઈડ નોટ લખેલ હતી કે,"મારી પાસેથી માલની ડીલીવરી કરવાના પૈસા 11,00,000 અંકે રૂપીયા અગીયાર લાખ હીરેનભાઈ પાસેથી લીધેલ છે અને હુ ઓનલાઈન જુગારમાં આ રૂપીયા હારી ગયેલ છુ." આમ આ બાબતે હિરેનભાઈ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થતા તેમણે સમયસીંગ મીના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદીના આધારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.