ચુકાદો:આચારસંહિતા ભંગની ફરિયાદમાં નિમાબેન આચાર્ય સહિત 3નો છુટકારો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોરબીમાં 2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન ફરિયાદ નોંધાઇ હતી
  • 2018માં ત્રણેયને 1 વર્ષની કેદની સજાનો હુકમ થતાં ઉપલી કોર્ટમાં દાદ દાખલ થઇ’તી

2009ની લોકસભા ચૂંટણી દરમિયાન કચ્છ મોરબી લોકસભા સીટના ઉમેદવાર માટે મોરબીમાં યોજાયેલા કાર્યક્રમમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ પણ નોંધાઇ હતી. જે બાદ 2018માં આ અંગેનો મોરબી નીચલી કોર્ટે ચુકાદો સંભળાવતા પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા,અંજારના પૂર્વ ધારાસભ્ય અને હાલના વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહિત ત્રણ લોકોને દોષિત સાબિત કરી એક વર્ષની કેદ ફટકારી હતી. જે બાદ ઉપલી કોર્ટમાં અપીલ કરતા આજે બન્ને પક્ષની દલીલ અને અન્ય સંયોગિક પુરાવા આધારે આ એડિશનલ ડિસ્ટ્રકટ કોર્ટ દ્વારા અગાઉના ચુકાદાને રદ કરી ત્રણેય આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.

મોરબીમાં 2009 લોક સભા ચૂંટણી દરમિયાન કચ્છ મોરબીના ભાજપના તત્કાલીન ઉમેદવાર પુનમબેનના સમર્થનમાં ભક્તિનગર સર્કલ પાસેનાં મોડર્ન હોલમાં સભા યોજાઈ હતી. જે સભામાં અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય,તત્કાલીન ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા તેમજ જે તે સમય ભાજપના કાર્યકર મનોજ પનારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ સભા દરમિયાન મતદારોને લલચાવે તેમને પ્રભાવિત કરી શકે તેવી જાહેરાત અને આદર્શ આચારસંહિતાનું પાલન ન કરવા અંગે ફરિયાદ નોંધાઇ હતી, જે બાદ 2018 ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટે ત્રણેયને દોષિત જાહેર કરી એક વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો. જે બાદ પૂર્વ ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ આ આદેશને ઉપલી કોર્ટમાં પડકાર્યો હતો .આજે આ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે અને બન્ને પક્ષની દલીલના આધારે ઉપલી કોર્ટે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,નીમાબેન આચાર્ય અને મનોજ પનારાને નિર્દોષ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...