મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા પાટીયા પાસે એલસીબીને મોટી સફળતા મળી છે. એલસીબીએ ટ્રકમાં દૂધના ફિલ્ટર મશીનની આડમાં છુપાવીને લઈ જવાતો 34 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. એલસીબીએ કુલ 44.93 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. એલસીબીએ આ મામલે રાજસ્થાનના 21 વર્ષિય યુવાનની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ એલસીબીને બાતમી મળી હતી કે, અમદાવાદ-ધ્રાંગધ્રા તરફથી એક રાજસ્થાનનો એક ટ્રક હળવદ-માળીયા તરફ આવવાનો છે, આ ટ્રકના ઠાઠામાં દુધના ફિલ્ટર મશીનની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને આવે છે. જેથી હળવદ તાલુકાના ઢવાણા પાટીયા પાસે વોચ ગોઠવતા બાતમીવાળી જગ્યાએથી ટ્રક નીકળ્યો હતો.
આ ટ્રકની અંદર ચેકિંગ હાથ ધરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની 8196 નંગ મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત 34.86 લાખ છે. તેની સાથે ટ્રક મળી પોલીસે કુલ 44.93 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
એલસીબીએ રાજસ્થાનના બાડમેરના ટ્રક ડ્રાઇવર કૈલાશ મદનસીંહ નેહરાની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાનના બાડમેરના પ્રકાશ જાખડનું નામ ખુલતા બન્ને સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.