ધોધમાર વરસાદની રાહ:મોરબી પંથકમાં ધીમી ધારે દોઢ ઇંચ સુધીની વર્ષા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી શહેરમાં દોઢ તો ટંકારામાં અડધો ઇંચ, હળવદમાં માત્ર ઝાપટાં

મોરબી જિલ્લામાં મેઘરાજા ધીમી ધારે કાચું સોનુ વરસાવી રહ્યા હોય તેમ વરસાદ વરસી રહ્યો છે. જો કે અન્ય જિલ્લાની જેમ ધોધમાર વરસાદની લોકો ચાતક નયને રાહ જોઇ રહ્યા છે ત્યારે શનિવારે મોરબી જિલ્લામાં સવારે 6થી સાંજે 4સુધીમાં દરમિયાન મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 35 મીમી એટલે લગભગ દોઢ ઈંચ વરસાદ પડી ગયો હતો.

તો ટંકારામાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો ,અન્ય તાલુકાની વાત કરીએ જયારે વાંકાનેરમાં 8 મીમી અને માળિયામાં 5 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો તો બીજી તરફ હળવદ પંથકમાં જાણે મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ માત્ર હળવા ઝાપટા પડ્યા હતા. મોરબી જિલ્લામાં શુક્રવારે રાત્રીના 8 મીમીથી લઈ 27 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો તો આજે સવારે પણ મેઘસવારી યથાવત રહી હતી જેમાં શુક્રવારે સાંજના 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન સૌથી વધુ ટંકારામાં 27 મીમી, મોરબીમાં 14 મીમી, વાંકાનેરમાં 08 મીમી, માળીયામાં 05 મીમી વરસાદ વરસ્યો હતો.

જળાશયોમાં નવાં નીર
મોરબી જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક ધીમીધારે વરસાદ થતાં ખેતરમાં પાણી ઊંડા ઉતરી રહ્યા છે આ ઉપરાંત નાના મોટા તળાવ, ચેકડેમ, તલાવડા તેમજ નાના ડેમ સાહિતના જળાશયોમાં પાણી ભરાવા લાગ્યા છે જેના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

વાંકાનેરના મચ્છુ 1-ડેમમાં સપાટી 26.6 ફૂટ પર સ્થિર
ગ્રામ્ય વિસ્તારો તેમજ આસપાસના ગામોમાં પીવાના તેમજ સિંચાઇ માટેના પાણીની જરૂરિયાત પૂરો પાડતો મચ્છુ ૧ ડેમની કુલ સપાટી ૪૯ ફૂટની છે જેમાં હાલ ૨૬.૬ ફૂટ પાણીથી ભરાયેલો છે. જો કે ચાલુ સિઝનમાં ડેમના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હોવાથી ડેમમા નવી આવક નહિવત છે.

છેલ્લા ચારેક દિવસથી પંથકમાં ધીમીધારે વરસાદ વરસતા સિઝનનો આજ સુધીનો કુલ ૧૪૪ મીમી વરસાદ કંટ્રોલ રૂમે નોંધાયો છે. પરંતુ ડેમમાં નવા નીર આવ્યા નથી. આથી મેઘરાજા ઓરમાયું વર્તન છોડે અને ધોધમાર વરસે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે અને ડેમની વધતી સપાટી જોવા નગરજનો તરસી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...