મોરબીની મધ્યમાં આવેલ જૂના બસ સ્ટેશનથી રોજ હજારોની સંખ્યામાં લોકો કામ ધંધા, શાળા કોલેજ કે અન્ય કોઈ કામથી મુસાફરી કરે છે ખાસ કરીને આ બસ સ્ટેશનમાં રાજકોટ અપડાઉન કરતા જામનગર આવવા જવા તેમજ અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર સહિતના લાંબા રૂટની મુસાફરી કરનાર લોકોની સંખ્યા વધુ હોય છે.
રાજકોટ અને જામનગરની બસમાં તો એટલી હદે ચિક્કાર ભીડ હોય છે કે લોકોને બેસવા તો ઠીક, સરખા ઉભવાની જગ્યા પણ મળતી નથી. આવી ભીડનો લાભ પોકેટમારી કરતા તત્વો લઈ રહ્યા છે અને જૂના બસ સ્ટેશનમાં ભીડનો લાભ લઇ લોકોના મોબાઈલ,પર્સ તો ક્યારેક કિંમતી સામાન સેરવી લઈ જાય છે. આ તત્વો એટલા હોશિયાર હોય છે કે એક સાથે 4 લોકો સાથે બસમાં ચઢે અને કોઈ એક વ્યક્તિ પર્સ કે મોબાઈલ કાઢી બીજી વ્યક્તિને હાથો હાથ પહોંચાડી દે છે. જેથછ કદાચ મુસાફરોને ચોરીની શંકા જાય અથવા પકડાઈ જાય તો પણ તેનું કશુ બગાડી શકતા નથી.
જૂના બસ સ્ટેશનમાં સક્રિય આ ગેંગ દરરોજ અલગ અલગ બસમાં બેસી ચઢી લોકોના પર્સ અને મોબાઈલ લઈ જતા હોય છે. થોડા મહિના પહેલા જૂના બસ સ્ટેશનમાંથી એક મહિલાના કિંમતી દાગીના ચોરી થવાની પણ ઘટના બની હતી.મોરબીમાં દરરોજ આવી ઘટના બનતી હોવા છતાં પોલીસ મથક સુધી ફરિયાદ પહોંચતી જ નથી અથવા નાની મોટી રકમની પોલીસ ફરિયાદ લેવાને બદલે અરજી લઈ સંતોષ માની લેતી હોય છે. જેથી આવા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.ત્યારે પોલીસ બસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે અને આવા તત્વોને બસ સ્ટેશનમાં લાગેલ સીસીટીવી ફૂટેજથી શોધી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોમાંથી માગણી ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.