રાજ્યમાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે રાજ્યના ગૃહમંત્રીએ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ પોલીસ તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. જેમાં વ્યાજખોરો પર લગામ કસવા આજે રાજકોટ રેંજ આઈજીની અધ્યક્ષતામાં મોરબી ખાતે જનસંપર્ક સભા યોજાઈ હતી. જેમાં 18 નાગરીકોએ વ્યાજખોરોના ત્રાસ અંગે રજૂઆત કરી હતી.
મોરબીના પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવના અધ્યક્ષસ્થાને આયોજિત જન સંપર્ક સભામાં નાના ફેરિયા, લારી-ગલ્લા, શાકભાજીવાળા, વેપારીઓ અને ખેડૂતો મળીને 300 જેટલા નાગરિકો પહોંચ્યા હતા. જે જનસંપર્ક સભામાં વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકોએ વિવિધ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ સાથે વ્યાજખોરો કેટલું ઊંચું વ્યાજ વસુલી અનેક પરિવારોને બરબાદ કરી ચૂકયા છે તેની આપવીતી પણ વર્ણવી હતી.
આ જનસંપર્ક સભામાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક, એક્ષીસ બેંક, રાજકોટ નાગરિક બેંક સહિતની બેન્કના મેનેજર અને કર્મચારી હાજર રહ્યા હતા. જેઓએ ગુજરાત સરકાર દ્વારા મળતી લોનની સુવિધા અંગે માહિતી આપવા હેલ્પ ડેસ્ક રાખવામાં આવ્યું હતું. જ્યાં યોજનાઓની યોજનાની માહિતી આપવામાં આવી હતી.
જનસંપર્ક સભામાં આવેલ નાગરિકોએ અલગ-અલગ 18 રજૂઆત કરી હતી. જે રજૂઆત આજે ઈલીગ્લ મની લેન્ડીંગ કલમ હેઠળ તાત્કાલિક ધોરણે 14 એફઆઈઆર નોંધી 26 આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ બાકી રજૂઆત અંગે કાર્યવાહી ચાલુ હોવાનું જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહમંત્રીએ કરેલી સુચના બાદ પોલીસ તંત્ર જાગ્યું છે અને હવે વ્યાજખોરી ડામવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. આજે જનસંપર્ક સભા કરી અરજદારોની રજૂઆત પણ સાંભળી હતી. જોકે આ બધું ક્યાં સુધી ચાલુ રહેશે તે મોટો પ્રશ્ન છે. વ્યાજખોરીને ડામવા એકાદ બે કાર્યક્રમો કરવાથી આ દુષણ બંધ થવાનું નથી. વ્યાજખોરી ડામવા પદ્ધતિસરનો એક્શન પ્લાન તૈયાર કરવો પડશે તો જ નિર્ભયપણે અરજદારો પોલીસ મથક સુધી આવી પોતાની રજૂઆત કરશે અને ફરિયાદ કરવાની હિંમત દાખવશે.
છેલ્લા સપ્તાહમાં અનેક વ્યજખોરીની ફરિયાદ થઇ છે. તે તાજેતરમાં વ્યાજે લીધેલા રૂપિયાની નથી તે ફરિયાદો જૂની છે. પરંતુ હવે કેમ ફરિયાદ કરવામાં આવી તે પણ વિચાર માંગી લે તેવી વાત છે. અરજદારો કેમ પોલીસ ફરિયાદ કરતા નથી કારણકે પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે તેવું લાગી રહ્યું છે કે અન્ય કાઈ તે પણ મોટો પ્રશ્ન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.