આટકોટના કૈલાસનગર વિસ્તારમાં આવવા-જવા માટે એક શોર્ટકટ રસ્તો આવેલો છે. જે ભાદર નદી પરથી પસાર થતો હોવાથી કોઝ-વે છે. પરંતુ અહીંથી લોકોને ચાલવું પણ ભારે પડી રહ્યું છે. પુલ પરથી ગટરના પાણી વહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને અહીંથી પસાર થવું ભારે અસહ્ય થઇ પડ્યું છે. આટલું ઓછું હોય તેમ મસ મોટા ખાડાઓ પણ પડ્યાં છે. પરીણામે અહીંથી પસાર થનારાઓ ગટરના પાણીમાં ગબડી પડ્યા હોવાના બનાવો પણ બનતા રહે છે.
કૈલાસનગર વિસ્તાર સુધી જવા માટે લોકોની ભારે અવર-જવર રહેતી હોય છે. તેથી અહીં ભુગર્ભ ગટરની વ્યવસ્થા કરવામાં આવે અને મોરમ પાથરી દેવામાં આવે તો લોકોને પસાર થવામાં મુશ્કેલી વેઠવી ન પડે. પરંતુ પ્રજાની આ સમસ્યાનો તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. જો કે ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે પણ અડધી છે અને હાલ બંધ છે. જેથી ગટરના પાણી રોડ પર આવે છે. આ મુદ્દે પંચાયતમાં પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ કોઈ ઉકેલ આવ્યો નથી. લાખોના ખર્ચે બનેલો કોઝ-વે પૂરમાં તૂટી ગયો હોવા છતાં હજૂ સુધી રીપેરીંગ કરવામાં આવ્યો નથી.
તેમજ ગામમાં જવા માટે પણ ગટરના પાણી વહેતા હોય છે. ત્યાં પણ ભૂગર્ભ ગટર નાખવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડતા આ રોડ ધોવાય જાય છે. જો અહી મોરમ પાથરી રસ્તો સારો કરવામાં આવે અને સારી ગુણવત્તાનું ભુગર્ભ ગટર કનેક્શન આપી દેવામાં આવે તો પાણીનો યોગ્ય નિકાલ થઇ શકે તેમ છે. આટકોટના લોકોની આ સમસ્યાનો તંત્ર દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી તીવ્ર માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.