તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુશીનું વાવેતર:મોરબી જિલ્લામાં 88,500 હેક્ટરમાં આગોતરું વાવેતર, 45,500 હેક્ટર સાથે હળવદ પંથકમાં સૌથી વધુ વાવણી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે સમયે થયેલા વરસાદ બાદ ખેડૂતોએ સમયસર ચોમાસુ આવશે તેવી ધારણાથી ખેતી શરૂ કરી દીધી
  • માળિયા પંથકમાં ઓછું પાણી મળતું હોવાથી અને સિંચાઇની અગવડતાને લીધે 3585 હેક્ટરમાં જ વાવેતર

મોરબી જિલ્લામાં શુક્રવારથી ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચુક્યું છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી ઝાપટાંથી લઈ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જોકે તાઉતે વાવાઝોડાને કારણે જિલ્લામાં વાવણી લાયક કમોસમી વરસાદ વરસી ગયો હતો , અને તેનો ફાયદો ખેડૂતોએ ઉઠાવી લીધો છે. ખાસ કરીને હળવદ અને વાંકાનેર તેમજ ટંકારા પંથકમાં ઉનાળુ પાક લેવાઇ ગયો હતો અને વાવણી લાયક વરસાદ થતા જમીન વાવણી લાયક થવાને કારણે મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર પણ જોવા મળ્યું હતું. મોરબી જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળી તેમજ ઘાસનું વાવેતર થાય છે.

મોરબી જિલ્લામાં 3 લાખ હેકટરથી વધુ જમીનમાં ચોમાસુ વાવેતર થતું હોય છે અને તે સામાન્ય રીતે જુલાઈ મહિનામાં શરૂ થતું હોય છે. જ્યારે જ્યાં જ્યાં સિંચાઇની સગવડ હોય ત્યાં આગોતરું વાવેતર થતું હોય છે. મોરબી જિલ્લામાં આ વર્ષે જિલ્લાના તમામ ડેમમાં સિંચાઇનું પાણી ઉપલબ્ધ છે, તેમજ નર્મદા કેનાલમાંથી પણ સારી એવી આવક થઈ રહી છે. જેના કારણે કપાસ, મગફળી સહિતના પાકનું આગોતરું વાવેતર વધ્યું છે. જિલ્લામાં કુલ વાવેતરની વાત કરીએ તો આજ દિન સુધીમાં 88,500 હેકટરમાં આગોતરું વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ હળવદ તાલુકામાં નોંધાયું છે.

અહીં 45,500 હેકટર વિસ્તારમાં ખેડૂતોએ વાવણીની કામગીરી પૂર્ણ કરી દીધી છે. માળિયા પંથકમાં કમોસમી વરસાદ ન થવાને કારણે અને પાણી ઓછું મળતું હોઇ, તેમજ સિંચાઇની સગવડ ઓછી હોવાથી સૌથી ઓછું વાવેતર માળીયા પંથકમાં થયું છે. અહી માત્ર 3585 હેકટરમાં જ ખેડુતોએ વાવણી કરી છે.

અન્ય તાલુકા જોઈએ તો મોરબીમાં 17,675 હેકટર,ટંકારામાં 5120 હેકટર, વાંકાનેરમાં 16,550 હેકટરમાં આગોતરું વાવેતર થઈ ચૂક્યું છે. જિલ્લામાં હવે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અને શુક્રવારે દરેક તાલુકામાં વરસાદ નોંધાયો છે.અને આગામી દિવસોમાં પણ વાવણી લાયક વરસાદ થવાની સંભાવના ને પગલે જિલ્લામાં હવે વાવેતરનું પ્રમાણ વધશે તેવી આશા સેવાઈ રહી છે.

જિલ્લામાં મગફળી કપાસનું વાવેતર વધ્યું
મોરબી જિલ્લામાં કપાસ અને મગફળીનું વાવેતર મુખ્ય છે. આ સિવાય શાકભાજી, ઘાસ, કઠોળ સહિતનું વાવેતર થાય છે. હાલ જિલ્લામાં 50,580 હેકટરમાં કપાસ અને 37,225 હેકટરમાં મગફળી પાકનું મુખ્ય વાવેતર થયું છે આ સિવાય 100 હેકટરમાં શાકભાજી અને 200 હેકટરમાં ઘાસનું વાવેતર થયું છે.

મોરબી જિલ્લામાં સિંચાઈની સગવડમાં વધારો થતા આગોતરું વાવેતર વધ્યું
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે મચ્છુ 1 અને 2 ડેમ ,બ્રાહ્મણી ડેમીમાં પાણીનું વધુ પ્રમાણ છે. મોટાભાગના જળાશયોમાંં નીરની સપાટી ઉંચી છે. તેમજ નર્મદા કેનાલમાંથી પણ સિંચાઇની સગવડ વધતા જિલ્લામાં ખેડૂતોને પાક બચાવવામાં સહાયતા મળી રહી છે. જેથી આગોતરું વાવેતર વધ્યું છે.

પાંચ તાલુકામાં થયેલી વાવણી (હેકટર મુજબ)

તાલુકોહેક્ટર
હળવદ45,500
મોરબી17,675
વાંકાનેર16,550
ટંકારા5,190
માળિયા3,585
કુલ88,500
અન્ય સમાચારો પણ છે...