રિક્ષામાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ:મુસાફરના સ્વાંગમાં પેસેન્જરના દાગીના ચોરતી ગેંગને પોલીસે ઝડપી પાડી, રૂ. 1.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદમાં રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસી પેસેન્જરના દાગીના ચોરતી ગેંગની મોરબી એલસીબી પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.24ના રોજ ફરિયાદી કાજલબેન વિષ્ણુભાઇ સરૈયાએ બે અજાણી સ્ત્રીઓ તથા અજાણ્યા રિક્ષા ડ્રાઇવર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેઓ એક સીએનજી રીક્ષામાં બેઠા હતા. એ સમયે બી.એસ.એન.એલ. એકસેચેન્જથી આશાપુરા હોટલ વચ્ચેથી પસાર થતા હતા. ત્યારે તેમની સાથે રીક્ષામાં સવાર અન્ય બે મહિલાઓએ તેમની નજર ચુકવીને ડોકમાં પહેરલ સોનાનો પાટિપારો આશરે બે તોલા કિં.રૂ. 60,000/-ના મુદામાલની ચોરી કરી હતી. અને તેમને હળવદ ધ્રાંગધ્રા રોડ ઉપર રીક્ષામાંથી ઉતારી દીધા હતા. રીક્ષામાંથી ઉતરી ગયા બાદ કાજલબેન એ ગળામાં પહેરેલ સોનાનો પાટીપારો ન જોવા મળતા તેમણે હળવદ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદને આધારે પોલીસે આરોપીઓને સકંજામાં લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

બીજી તરફ આ ફરિયાદને આધારે એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કવોડના HC સુરેશભાઇ હુબલ, ચંદુભાઇ કલોતરા, નિરવભાઇ મકવાણા તથા PC દશરથસિંહ પરમાર, વિક્રમભાઇ ફુગસીયાને ચોક્કસ બાતમી મળી હતી કે, મુળ રાજકોટના કુબેલીયા પરામાં રહેતી પ્રભા ઉર્ફે બાડી, જનાબેન ઉર્ફે મંજુબેન અજીતભાઇ સોલંકી અને મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી અરવિંદ પોલાભાઇ કાંજીયા આ પ્રકરણમાં સંડોવાયેલા છે. જેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતેથી હસ્તગત કર્યા હતા અને પોલીસની આકરી પુછપરછમાં ત્રણેયે વટાણા વેરી નાખ્યા હતા.

જ્યાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી પ્રભા અને અરવિંદ સાસુ- જમાઇ છે. જે ઓટો રીક્ષા લઇને શહેરી વિસ્તારમાં નિકળી એકલ-દોકલ અથવા વયોવૃધ્ધ સ્ત્રીઓને રીક્ષામાં પેસેન્જર તરીકે વચ્ચે બેસાડી રીક્ષા પૂરઝડપથી ચલાવી પેસેન્જરના ગળામાં પહેરેલ સોનાના દાગીના પેસેન્જરને ખબર ન પડે તે રીતે નજર ચૂકવી સેરવી, ચોરી કરતા હતા. આ ઉપરાંત બન્ને વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી એ ડિવીઝન તથા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે અગાઉ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે.

પોલીસ સમક્ષ આરોપીઓએ ગુનાની કબૂલાત આપતા પોલીસે સોનાનો પાટીપારો, સી.એન.જી. રીક્ષા, એક મોબાઇલફોન મળી કુલ રૂ.1,15,000/- નો મુદ્દામાલ કબ્જે કરીને આરોપીઓને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ મથક ખાતે સોપવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...