મોરબી LCB ટીમે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી ચોરીના ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા સાત મહિનાથી ફરાર થયેલા ઇસમને ટંકારા નજીકથી ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રફાળેશ્વર ગામમાં બે ઇસમોએ યુવાનને માર મારી ધમકી આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી SOG ટીમે એક ઈસમને દેશી ગેરકાયદેસર હાથ બનાવટની 2 પિસ્તોલ અને 5 જીવતાં કાર્ટીસ સાથે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી LCB ટીમે ફરાર આરોપીને ઝડપ્યો
ગુજરાત વિધાનસભા ચુંટણીને પગલે નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેથી મોરબી LCB ટીમ ફરાર આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન અમદાવાદ શહેર સરખેજ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં કાચા કામના કેદી તરીકે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં રહેલા આરોપી રાજેશ ઉર્ફે રાજુ હરીલાલ સારેસા (ઉ.વ.33) જે ટંકારાના હીરાપર રહે છે. તેને તા. 17-01-2022 ના રોજ છોડવામાં આવ્યો હતો. જે આરોપીને તા. 20-03-2022 ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ આરોપ હાજર થયો ન હતો અને વચગાળાના જામીન પરથી ફરાર હતો. આરોપી ટંકારા લતીપર ચોકડી પાસે હોવાની બાતમી મળતાં મોરબી LCB ટીમે લતીપર ચોકડી પાસેથી આરોપીને ઝડપી લઈને પોલીસ જાપ્તા હેઠળ અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.
રફાળેશ્વરમાં મંડપ સર્વિસના વેપારીને બે ઇસમોએ માર માર્યો
મોરબીના આંબેડકરનગર રફાળેશ્વર ગામના રહેવાસી મંડપ સર્વિસના વેપારી ભાવેશ ઉર્ફે કાલી ઉર્ફ રાધે કિશોર સુમેસરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેના મિત્ર યતીશ બાબુ મુછડિયા સાથે આરોપી પ્રફુલ બચું સોલંકીને પંદરેક દિવસ પહેલા ઝઘડો થયો હતો. જે બંનેને ફરિયાદી ભાવેશ સુમેસરાએ છુટા પડાવ્યા હતાં. જે વાતનો ખાર રાખીને રફાળેશ્વર ગામે આરોપી ગૌતમ જયંતી મકવાણા જે મોરબીના લીલાપરનો રહેવાસી છે. પ્રફુલ બચું સોલંકી જે મોરબીના મચ્છુનગરનો રહેવાસી છે. આ બે ઇસમોએ ભાવેશને લાકડાના ધોકા વડે ઈજા કરી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
2 પિસ્તોલ અને 5 જીવતાં કાર્ટીસ સાથે શખ્સ ઝડ્પાયો
વિધાનસભા ચુંટણીને પગલે પોલીસ ટીમો સઘન પેટ્રોલિંગ કરી રહી છે. જેમાં SOG ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઓવરબ્રિજ નીચે એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે હોવાની બાતમી મળતાં ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જેમાં આરોપી બબલુ કાલુંસિંગ વાસ્કેલ (ઉ.વ.25) જેને ઝડપી લીધો હતો અને તે મધ્યપ્રદેશનો હોવાનું ખુલ્યું હતું. આરોપી પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટની 2 પિસ્તોલ જેની કિંમત રૂ. 20,000 અને 5 નંગ જીવતાં કાર્ટીસની કિંમત રૂ. 500 મળીને કુલ રૂ. 20,500 નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.