મોરબી શહેરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા બે યુવાનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ મની લેન્ડર્સ એક્ટ મુજબ ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી છે. બીજા બનાવામાં વાંકાનેર તાલુકા પોલીસમાં વિદેશી દારૂના અપરાધમાં બે વર્ષથી ફરાર રાજસ્થાની ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં ઊંચા વ્યાજે નાણા ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસને મળેલી સુચના મુજબ મોરબીમાં ફરિયાદી મિલન જયંતી અગોલા અને રૂપેશ હરજી રાણીપાએ અલગ અલગ બે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાર ઈસમો વ્યાજે રૂપિયા લીધા બાદ પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશન કરતા હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી. જેમાં આરોપી વિશાલ બચુભાઈ ગોગરા રહે કોયલી તા. મોરબી વાળાને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ફરિયાદમાં સંડોવાયેલ ત્રણ આરોપી પ્રવીણ નવઘણ ગરચર, મનીષ ઉર્ફે દેવશી જીવણ રગીયા રહે બંને ખાનપર મોરબી અને જગદીશ ઉર્ફે સુરેશ લખમણ સવસેટા રહે ખાખરાળા તા. મોરબી એમ ત્રણ આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજા બનાવમાં એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક મોકલનાર આરોપી મુકેશ સોહનલાલ જયાની રહે મલસીસર રાજસ્થાન વાળો રાજસ્થાન રતનપુર બોર્ડર થઈને નડિયાદ વડોદરા એક્ષપ્રેસ વે તરફ ટ્રક લઈને આવતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમ એલર્ટ થઇ હતી અને વોચ ગોઠવતા આરોપી મુકેશ સોહનલાલ જયાની (ઉ.વ.૨૬) રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સોપવા તજવીજ હાથ ધરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.