મોરબી જિલ્લામાં એક તરફ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં રવિ પાકના વાવેતરની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.જો કે આ વખતે જાણે શિયાળુ પાકના વાવેતરમાં જાણે ચૂંટણીનું ગ્રહણ નડી ગયું હોય તેમ લાગી રહ્યું છે.કારણ કે મોરબી જિલ્લામાં 14 નવેમ્બર સુધીના જાહેર થયેલા રિપોર્ટ મુજબ જિલ્લામાં હજુ 13,400 હેક્ટરમાં જ શિયાળુ પાકનું વાવેતર થયું છે. જે ગત વર્ષની સરખામણીમાં ખૂબ ઓછું છે.
ગત વર્ષે આ સમય દરમિયાન લગભગ 35 હજાર હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થઈ ચૂક્યું હતું. જો કે મોડા વાવેતરનું એક કારણ પાછોતરો વરસાદ અને ચોમાસામાં થયેલો વધુ વરસાદ પણ કારણભૂત છે. ચાલુ વર્ષે જિલ્લાનું વાવેતર જોઈએ તો ઘઉંનું વાવેતર 900 હેક્ટરમાં થયું છે. જે ગત વર્ષે 7000 હેક્ટર આસપાસ થઈ ગયું હતું તો ચાલુ વર્ષે ચણાનું વાવેતર 5300 હેક્ટર છે જે ગત વર્ષે 10 હજાર હેક્ટરમાં થઈ ગયું હતું.
રાઈનું વાવેતર ચાલુ વર્ષે 1700 હેક્ટર નોંધાયું છે. તો ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 2500 હેક્ટર આસપાસ રહ્યું હતું .આજ પ્રકરે લસણ 700, ડુંગળી 300 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જે ગત વર્ષે અનુક્રમે 1700 અને 1200 હેક્ટર નોંધાયું હતું . ચાલુ વર્ષે ધાણાનું 900 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઈ ગયું છે તો વરિયાળી 1300 હેક્ટર સુધી વાવણી પૂર્ણ કરી ચૂક્યા છે.
તેની સરખામણીમાં ગત વર્ષમાં 700 અને 800 હેક્ટર નોંધાયું હતું. વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે એક તરફ મુખ્ય તમામ પક્ષોના ઉમેદવારો મતના વાવેતરમાં ગુથાઇ ગયા છે ત્યારે બીજી તરફ આખા દેશની અન્નની જરૂરિયાત પૂરી થાય તે માટે વિવિધ જણસીના વાવેતરમાં કિસાનો કામે લાગ્યા છે.
વાવેતર ઓછું થવાના કારણો
મોરબી જિલ્લામાં તમામ જણસીના વાવેતર ઓછું થયું છે અને તેની પાછળના કારણો ચકાસવામાં આવતાં એ સામે આવ્યું છે કે જિલ્લામા શિયાળુ પાકના વાવેતરને હજુ શરૂઆતનો સમય છે અને બીજી તરફ વિધાનસભા ચૂંટણીનો પણ માહોલ હોવાના કારણે વાવેતર ઓછું જોવા મળી રહ્યું છે.
જો કે આગામી સપ્તાહમાં મોરબી જિલ્લામા તેનું વાવેતર વધશે તેવી પૂરેપૂરી શક્યતા છે. મોરબી જિલ્લામા શિયાળુ પાકનું સૌથી વધુ વાવેતર હળવદ અને મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ થાય છે.માળીયા પંથકમાં નર્મદા કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ગામડામાં વાવેતર વધશે તેવી આશા સેવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.