ડિઝાસ્ટર રિડ્કશન ડે:કુદરતી આફતો સામે આયોજનપૂર્વક પૂર્વ તૈયારીથી જ જાન માલનું નુકસાન અટકે

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રજાજોગ આફત સામે પૂર્વ તૈયારી એ જ આપત્તિ નિવારણ માટેનો એક માત્ર ઉપાય

13મી ઓક્ટોબરના દિવસને વિશ્વ ડિઝાસ્ટર રિડ્કશન દિવસ તરીકે મનાવવામાં આવે છે. કુદરતી આફતો અટકાવી શક્ય નથી પરંતુ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અગાઉથી આયોજન પૂર્વક તેની ગંભીર અસર દૂર કરી શકાય તેમ છે અને આ અંગે જાગૃતિ જરૂરી છે.

લોકો હોય કે તંત્ર આફત સમયે અગાઉથી જેટલી જાગૃતિ અને જાણકારી હોય તેમજ તેના બચવા અંગે ઉપાયો હાથ વગા હોય તો આફતોની અસર કેવી રીતે ઘટાડી શકાય. ભૂકંપ, પૂર, વાવાઝોડું, આગ, અકસ્માત, રાસાયણીક દુર્ઘટનાઓ વગેરે જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓને સંપૂર્ણ રીતે અટકાવી શકાતી નથી, પરંતુ થોડીક કાળજી અને સજાગતાથી તેનાથી થતી જાન-માલહાની તથા તેની તીવ્રતામાં ઘટાડો ચોક્કસ કરી શકાય છે.

ભૂતકાળમાં કચ્છના વિનાશક ભૂકંપ, કંડલાનું વાવાઝોડું, મોરબી મચ્છુ ડેમનું હોનારત, સુરતનો પ્લેગ વગેરે જેવી દુર્ઘટનાઓએ માનવ જનજીવનને વેરવિખેર કર્યું હોવાના આપણે સાક્ષી રહ્યા છીએ. આજના દિવસે સમગ્ર વિશ્વમાં આ સઘળી બાબતો પર મંથન થાય છે. આફત દરવાજે ટકોરા મારીને આવતી નથી ત્યારે આપણે તમામ આપત્તિઓ સામે સતર્કતા દાખવીએ તે જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી આજે કુદરતી ઋતુચક્ર પણ અનિયમિત બન્યુ છે, જે આપણને કોઇપણ અણધાર્યા સમયના સામના માટે તૈયાર રહેવા માટે સાવધાન કરવામાં આવે છે.

આજે આપણા મકાનોનું સુરક્ષિત અને ભૂકંપ પ્રતિરોધક બાંધકામ હોય તે જરૂરી છે. વાવાઝોડા પહેલાની તૈયારી અને રોડ ટ્રાફિકના નિયમોનું પાલન કરી અકસ્માતો નિવારી શકીએ છીએ. પૂર્વ તૈયારી અને સજ્જતાના અભિગમને ધ્યાને રાખી આપણા બાળકોને વિવિધ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ દરમ્યાન શું કરવું અને શું ન કરવું ? તે અંગેની સમજ કેળવાય તેવા પ્રયાસો પણ હાથ ધરવા પડશે. આપણા રહેણાંક વિસ્તારની આસપાસ આવેલા જોખમોને સુરક્ષિત કરવાની પણ જવાબદારી આપણી છે.

ચાલો આપણે આપણા બાળકોને આવનાર સમય માટે સજ્જ અને સતર્ક કરવાની જવાબદારી નિભાવીએ. કેમકે આપણે સૌ જાણીએ છીએ કે આફત સામે પૂર્વ તૈયારી એ જ એક માત્ર ઉપાય છે. આપત્તિ નિવારણ અને તૈયારી અભિયાનમાં જોડાઇ સજ્જ અને સલામત સમાજના નિર્માણમાં ભાગીદાર બનવા જિલ્લા વહિવટીતંત્ર તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...