મોરબીના જયંતકુમાર કારિયાને ત્યાં 27 વર્ષ પહેલા દીકરીનો જન્મ થયો. એક દીકરો અને બાદમાં આવેલી પુત્રીથી પરિવાર ખુશ હતો. પરંતુ પરિવારની ખુશી વધુ ટકી નહીં. પુત્રી મિતાલી સતત બીમાર રહેતી હોવાથી તેની અલગ અલગ ડોક્ટરોને ત્યાં સારવાર કરાવવામાં આવતી હતી. પરંતુ બીમારી પકડાતી નહોતી. અનેક ટેસ્ટ કરાવ્યા બાદ ત્રણ વર્ષે ખબર પડી કે મિતાલીને થેલેસેમિયા મેજર છે. પરિવાર ગભરાઈ ગયો. ફિક્કા ચહેરા તથા બરડ હાડકાં ધરાવનારી આ દીકરી કેટલું જીવશે એ જ નક્કી નહોતું.
કારિયા પરિવાર તથા મિતાલીએ કુદરત સામે જંગ માંડ્યો. આજથી 25 વર્ષ પહેલા થેલેસેમિયા અંગે વધુ જાગૃતિ નહોતી. જેને કારણે લોકો આ રોગને ચેપી માનતા. તેથી મિતાલી સાથે સામાજિક અન્યાય ખૂબ થતો. તેની સાથે કોઈ બાળકો રમતા પણ નહીં. બીજી તરફ મિતાલીને થોડા થોડા દિવસે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું. પિતા જયંતભાઈની સરકારી નોકરી અન્ય જિલ્લામાં હોવાથી આ બધી દોડાદોડી કરવી ખૂબ મુશ્કેલ હતી. છતાં પણ બધા હિંમતથી આગળ વધી રહ્યા હતા.
મિતાલીએ ફર્સ્ટ ક્લાસ સાથે એમ.કોમ. કર્યું છે. હાલમાં એલએલબીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અને અત્યાર સુધીમાં 450 થી વધુ વખત બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવ્યું છે. એક વખત બરોળનું ઓપરેશન કરાવ્યું છે. અને હાલમાં કોરોનામાં પણ મિતાલી સપડાઇ હતી. પરંતુ હંમેશની જેમ મોતને હાથતાળી આપીને જિંદાદિલ જિંદગી જીવી રહી છે. મિતાલી હાલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે કામ કરતા અલગ અલગ સંગઠનો સાથે જોડાયેલી છે. અને આવા લોકો માટે બ્લડ ડોનેશન કેમ્પ તથા થેલેસેમિયા અંગે જાગૃતતા સારવાર સંબંધી સેવાઓ પણ આપે છે.
‘હું ઘણું લાંબુ જીવવાની છું, હજુ ઘણાં કામ કરવાનાં છે’
મિતાલી આ બીમારીને વારસાગત આપવા નથી માંગતી. તેથી તેણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે. કાયદાનો અભ્યાસ પૂરો કરી જરૂરિયાતમંદ લોકો માટે વકીલાત અને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે સતત કામ કરવા ઈચ્છે છે. થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓનું આયુષ્ય સામાન્યતઃ ઓછું હોય છે. પરંતુ મિતાલી થેલેસેમિયા મેજર સાથે વિશ્વમાં સૌથી લાંબુ જીવવા માંગે છે. આત્મવિશ્વાસથી છલોછલ મિતાલી જણાવે છે હું ઘણું લાંબુ જીવવાની છું, હજું મારે ઘણા કામ કરવાના છે. આ ખામીના કારણે તેણે જીવનમાં અવારનવાર ભેદભાવનો અનુભવ કર્યો છે. પોતાના જેવા થેલેસેમિયાગ્રસ્ત લોકોને આવો અન્યાય સહન કરવો પડે નહીં એ માટે પણ મિતાલી સતત કાર્યરત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.