તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન લેવી છે મળતી નથી:મોરબીમાં લોકો સવારથી રસી લેવા લાઇનમાં ઉભા રહે, 4 કલાક પછી જવાબ મળે કે આવતીકાલે આવજો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ઉભા કરવામાં આવેલા વેક્સિનેશન સેન્ટર પર સવારે 11 પછી તરત જ સ્ટોક પુરો થઇ જાય. - Divya Bhaskar
મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ઉભા કરવામાં આવેલા વેક્સિનેશન સેન્ટર પર સવારે 11 પછી તરત જ સ્ટોક પુરો થઇ જાય.
  • આરોગ્ય કેન્દ્રની સંખ્યામાં રોજ વધઘટ અને મર્યાદિત ડોઝના લીધે રસી માટે આવતા લોકોને ધક્કો, લોકો જાગ્યા તો હવે તંત્ર ઢીલું પડ્યું
  • કેન્દ્રનો સમય સવારે 9 થી 1નો સામાન્ય રીતે હોય છે પરંતુ રસી જ ન હોય તો ચાલુ રાખીને પણ શું કરવાનું!

મોરબી જિલ્લામાં વેક્સિનનો જથ્થો ખૂબ જ મર્યાદિત આવતો હોવાથી અનેક લોકોને વેક્સિન ન મળતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પ્રથમ ડોઝ તો ઠીક પરંતુ બીજા ડોઝ માટે મેસેજ આવી ગયો હોવા છતાં ન મળતાં લોકોને ધરમનો ધક્કો થઈ રહ્યો છે. મોરબીમાં 5 કેન્દ્ર પર 600 અને જિલ્લામાં કુલ ૩૮૦૦ ડોઝ ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી ૩૫૦૦ કોવિશિલ્ડ અને 300 કોવેક્સિનના ડોઝ આવ્યા હતા. શહેરમાં ઓછા ડોઝને કારણે લોકો સવારે છ વાગ્યાથી લાઈનમાં ટોકન લેવા ઉભા રહી જાય છે.

નવ વાગ્યે વેક્સિનેશન શરૂ થાય છે અને 11 વાગતા પૂરું થઈ જાય છે જેથી લોકોને વેક્સિન વિના જ પરત ફરવું પડે છે, અને બીજા દિવસે પણ આવું નહીં થાય તેની કોઇ ખાતરી મળતી નથી. મોરબીમાં સોમવારે કુલ 39 સેન્ટર પર 4169 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. ડોઝ મુજબ જોઇએ તો 2,56,210 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 72,406 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાંના સેન્ટર પર 13,151 લોકોને વેક્સિન આપવામાં આવી છે.જિલ્લામાં ઉંમર મુજબ જોઈએ તો 18થી 44 વયના 1,22,896 ડોઝ જ્યારે 45થી વધુ વયના 2,05,369 ડોઝ આપવામાં આવ્યા છે.આમ કુલ 7,92,001 પૈકી 2,44,399 લોકો રસી લીધી છે જે 30.85 ટકા થાય.

લોકોને બીજા ડોઝનો મેસેજ આવે છે પણ 5-5 દિવસ સુધી રસી મળતી નથી

મારે બીજો ડોઝ લેવાનો છે,રોજ ધક્કા ખાઉં છું
હું મોરબીના લીલાપર રોડ પર રહું છું. મારી ઉંમર ૬૩ વર્ષ છે. એસિડ ફિનાઈલ જેવી વસ્તુઓની એક નાની દુકાન ધરાવું છું. મેં કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધો એના 84 દિવસ પહેલી તારીખે થઈ ગયા છે. દરરોજ ધક્કા ખાઉં છું, પરંતુ હજુ મને રસી મળી નથી અને મારો વારો આવે તે પહેલાં તો રસીનો સ્ટોક ખાલી થઇ જાય છે. પાંચ દિવસથી આવું થાય છે મારે ધંધો કેવી રીતે કરવો? - અશ્વિનભાઈ બચુભાઈ સોલંકી, દુકાનદાર

મને પ્રથમ ડોઝ પણ મળતો નથી
હું શનાળા રોડ પર રહું છું અને કાપડનો વેપારી છું. જુલાઇ 10 સુધીમાં રસી નહીં લઉં તો મને ધંધો કરવા નહીં મળે. આજે સવારે 9:00 થી મોરબીના પાંચેય કેન્દ્રો પર જઈ આવ્યો પરંતુ એકેય કેન્દ્રમાં મને વેકસીન મળી નથી. દરેક જગ્યાએ એક જ જવાબ મળ્યો કે સ્ટોક નથી. કાલે આવજો. મારે શું કરવું? - ધીરજભાઈ કાસુન્દ્રા, વેપારી

મોરબીને માત્ર 1400 ડોઝ
મોરબી શહેરને આજે ૬૦૦ તથા તાલુકાને ૮૦૦ ડોઝ ફાળવાયા હતા. શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ કોવિશિલ્ડ તથા ૧૦૦ કોવેક્સિન એમ ૨૦૦, જ્યારે સંસ્કારધામ, સો-ઓરડી, પરસોતમ ચોક અને રામેશ્વર મહાદેવ કેન્દ્ર ખાતે ૧૦૦-૧૦૦ ડોઝ ફાળવાયા હતા. આ તમામ કેન્દ્ર પર અગાઉથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનારા માટે ૧૦ ટકા જ્યારે બાકીના ૧૮ થી ૪૪ અને ૪૫ થી ઉપરની વયના માટે પ્રથમ તથા બીજો ડોઝ માટે આપવામાં આવ્યો હતો. જેના કારણે વહેલી સવારથી ટોકન આપી દેવાયા હતા અને ૧૧ વાગ્યા સુધીમાં રસીનો જથ્થો ખૂટી ગયો હતો. આથી લોકોને ધક્કા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...