ઓનલાઇન શિક્ષણની દેખીતી સમસ્યા:મોરબીમાં આંખોના બાળ દર્દી 22 ટકા વધ્યા, મોબાઇલ-લેપટોપના વપરાશથી બાળકોમાં આંખો સંબંધી તકલીફો સામે આવી

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીના કારણે પ્રથમ લહેર અને બીજી લહેરમાં લોકડાઉન હતું, આ ઉપરાંત ધોરણ ૧ થી ૮ ના બાળકોની શાળાઓ હજુ પણ ખુલી નથી, જો કે ધો.6 થી 8ના વિદ્યાર્થીઓની શાળા હવે નજીકના ભવિષ્યમાં ખુલવા જઇ રહી છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી ધો. 1 થી 5 ના બાળકો ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છે. કોરોનાથી બચાવવા અપાતું ઓનલાઇન શિક્ષણ બાળકોને શાળાથી તો દૂર રાખે છે પરંતુ આંખોની બીમારીઓ પણ નોતરે છે, છેલ્લા બેથી ત્રણ માસમાં બાળકોના આંખના દર્દો વધ્યા હોવાનું સામે આવ્યું છે. મોરબીમાં વિવિધ આંખના ડોક્ટરોને મળ્યા બાદ સ્પષ્ટ થયું કે મોબાઇલ અને ટેબ્લેટ પર ઓનલાઇન શિક્ષણ મેળવવાના કારણે પહેલાની સરખામણીમાં હાલ 22% બાળ દર્દીઓ વધ્યા છે. આ ઉપરાંત બાળકોમાં આંખ સંબંધિત તકલીફો પણ વધુ જોવા મળી રહી છે. મોબાઇલ અને ટેબ્લેટના ઉપયોગના કારણે બાળક સામાજિક અંતર રાખતુ અને એકલવાયું બનતું જાય છે. આંખની બિમારીઓ અંગે મોરબીના ડોક્ટર શૈલેષ પટેલે વિવિધ તકેદારી કઇ રીતે રાખવી તે નિર્દેશ કર્યો છે.

આ નાનકડી આંખોને હવે શાળા કેમ્પસ, ક્લાસરૂમ, બેંન્ચિઝ, બ્લેક બોર્ડ જોવાં છે
બાળકો માટે બેંચ, ક્લાસરૂમ કે બ્લેક બોર્ડ તો જાણે દૂરની વાત બની ગઇ છે ત્યારે નાનકડી અા આંખો બોલી રહી છે કે હવે શાળાએ જવા મળે, બ્લેકબોર્ડથી ભણવા મળે તો કેવી મજા.

બાળકોમાં કઇ કઇ બીમારીઓ જોવા મળી

  • આંખમાં નંબર આવી જવા
  • આંખોમાં બળતરા થવી
  • આંખો સુકાઈ જવી
  • માથાનો દુખાવો થવો
  • ચશ્માના નંબર વધવા

આંખને સંભાળવા આટલું કરો

  • શિક્ષણ સિવાય મોબાઇલ-લેપટોપનો ઉપયોગ ટાળવો
  • મોબાઈલ કે ટેબલેટ એકથી દોઢ ફૂટ દૂર રાખવા અને રૂમમાં પુરતો પ્રકાશ રાખવો
  • દર કલાકે બ્રેક લઇ આંખોનેે ઠંડા પાણીથી ધોવી
  • આંખો બંધ કરી ડોળાને ચારેબાજુ ફેરવવા
  • અલ્ટ્રાવાયોલેટ પ્રોટેકશન કે બ્લુ રેઝ પ્રોટેકશન વાળા ચશ્માં પહેરીને ભણવું

લેપટોપ કે ટેબ્લેટથી શિક્ષણ થોડું આસાન બને
ઓનલાઇન એજ્યુકેશનમાં બાળકોની આંખોને સ્ટ્રેસ પડે છે, પરંતુ મોબાઇલની સરખામણીમાં ટેબ્લેટ કે લેપટોપ વાપરવું ઓછું નુકશાનકારક છે. અમે લોકો પણ ૩૫-૪૦ મિનિટના એક કલાસ બાદ દસ મિનિટનો બ્રેક આપીએ છીએ જેથી વિદ્યાર્થીઓને તથા તેમની આંખોને રિલેક્સ થવાનો સમય મળી રહે વાલીઓની પણ આ અંગે ફરિયાદો આવતી રહે છે. > હાર્દિક પાડલીયા, શાળા સંચાલક

આંખના એકમાંથી ત્રણ નંબર થઈ ગયા
મોરબીના સાત વર્ષીય નિસર્ગ રાકેશભાઇ પટેલને આંખમાં એક નંબર હતો પરંતુ છેલ્લા એક વર્ષથી ઓનલાઇન શિક્ષણના કારણે શરૂઆતમાં આંખોમાં બળવાની અને આંખો સૂકાઈ જવાની તકલીફ રહેતી હતી આ અંગે તેમણે ડોક્ટરને બતાવતા નિસર્ગની આંખના નંબર એક થી વધીને ત્રણ થઇ ગયા હતા. (નામ બદલ્યા છે)

અન્ય સમાચારો પણ છે...