.મોરબી શહેરમાં છેલ્લા 4 મહિના કરતાં પણ વધુ સમયથી રખડતા પશુઅો પકડવાની કામગીરી પર જાણે બ્રેક લાગી ગઈ હોય તેમ શહેરના તમામ માર્ગો પર અને જાહેર ચોક પર રખડતા પશુનો જમાવડો થવા લાગ્યો છે. જેના કારણે વાહન ચાલકોમાં સતત ભય રહે છે અને ગમે ત્યારે ગંભીર અકસ્માત થવાની સંભાવના સેવાઈ રહી છે.
અગાઉ પણ રખડતા પશુઓએ ઘણા વાહન ચાલકોને હડફેટે લઇ ઇજા પહોંચાડી હોવાની ઘટના બની જ છે. છતાં તેમાંથી બોધ પાઠ લેવાનું તંત્રને સુઝતું નથી અને ફરી એકવાર આવી ઘટના ન બને તે માટે પાલિકા રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરે તેવી માગણી ઉઠવા પામી છે.
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના બાદ જાણે શહેરના વિકાસમાં અધિકારીઓ કે પદાધિકારીઓને કોઈ રસ રહ્યો ન હોય તેવી સ્થિતિ બની ગઈ છે. પાલિકામાં 4 મહિના જેટલો સમય થવા છતાં નવા વિકાસ કામ હાથ ધરવામાં આવ્યા નથી. તેમજ આગાઉ જે વિકાસ કામ શરૂ કરવામાં આવ્યા હતા તે પૂર્ણ થયા કે નહિ અથવા ક્યા સ્ટેજ પર પહોંચ્યા તેની પણ કોઈ દરકાર લેનારું રહ્યું નથી.
મોરબી પાલિકામાં ચીફ ઓફિસરનો ચાર્જ અધિક કલેક્ટર એન કે મૂછારને સોંપવામાં આવ્યો છે. જો કે ઇન્ચાર્જ અધિકારી રોજિંદા ખર્ચ, વીજળી બિલ અને કર્મચારીઓના પગાર ચુકવણી કરવા તેમજ વાહનોના ડિઝલ ખર્ચ ચૂકવવા જેવા ખર્ચનું ચુકવણું કરતા હોય જેના કારણે કે જે કોન્ટ્રાક્ટ આધારિત થઈ રહી હતી તેમાં બ્રેક લાગી ગઈ છે.
કોન્ટ્રાક્ટ આધારિત કામગીરી પર પડી અસર
ઇન્ચાર્જ ચીફ ઓફિસર હોવાથી અનેક કામગીરી પર અસર થઇ રહી છે જેમાં કોન્ટ્રાક્ટ બેઝ કામગીરીનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં શહેરના માર્ગો પર રખડતા પશુ પકડવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે.મોરબી શહેરના તમામ મુખ્ય માર્ગો બજાર અને વોર્ડ. વિસ્તારમાં ફરી વાર રખડતા પશુનો ત્રાસ વધી ગયો છે.
શહેરના નહેરુ ગેટ ચોક પર તો જાણે ગાયો માટે કાયમી જમીન ફાળવી દેવામાં આવી હોય તેમ આખો દિવસ ગાય આખલા અને વાછરડા અડિંગો જમાવીને બેઠા રહે છે. ઘણીવાર આખલાના કારણે ટ્રાફિક જામ સર્જાય જતા હોય છે તો ક્યારેક વાહન ચાલક પાછળ પશુ દોડતા હોય છે.
નંદીઘરમાંથી પશુ શહેરમાં આવી ગયા!
પાલિકા દ્વારા અગાઉ 3,000 થી વધુ રખડતાં પશુ પકડી પાંચાસર રોડ ખાતે આવેલ નંદી ઘરમાં મૂકવામા આવ્યા હોવાના દાવા કર્યા હતા. જો કે હાલ ત્યાં 500 કરતાં પણ ઓછાં આખલા અને ગાય છે ત્યારે અગાઉ જેટલા આખલા અને ગાય ત્યાં હતા તે ત્યાંથી નીકળી શહેર તરફ આવી ગયા હોય તેવી આશંકા પણ વર્તાઈ રહી છે.
ચૂંટાયેલા સભ્યો જ નિર્ણય કરશે
મોરબી શહેરમાં હાલ પશુ પકડવાની કામગીરી બંધ છે અને તે છેલ્લા ચાર મહિનાથી બંધ થઇ છે. તે ફરી ક્યારે શરૂ કરવામાં આવશે, તે નિર્ણય નગર પાલિકાની ચૂંટાયેલી બોડીએ કરવાનો છે. તેઓ કામગીરી હાથ ધરવા આદેશ કરશે એટલે ફરી પશુ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. - એન.કે.મુછાર, ઇન્ચાર્જ ચીફ ઓફિસર ,મોરબી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.