જનઆંદોલનની ચીમકી:મોરબીના પાનેલીમાં લોકોને વિશ્વાસમાં લીધા વિના GIDCની જમીન ફાળવી દીધી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી ગામતળ મંજૂર કરવાની માંગ સાથે રજૂઆત કરવા આજે સ્થાનિકોની તાકીદની બેઠક

મોરબીનાં સિરામિક ઔદ્યોગિક ઝોનમાં આવેલા પાનેલી ગામમાં સરકાર દ્વારા પાનેલી ગામના લોકોને વિશ્વાસમાં લીધા વિના અન્યાયી રીતે જીઆઇડીસીને જમીન આપી દેવામાં આવી છે અને આ રીતે ગામના લોકોને અન્યાય કરવામાં આવ્યો હોય ગામ લોક આકરા પાણીએ આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે આ ગામના લોકોએ 10 એકર જમીન ગામતળની માંગણી છેલ્લા વીસ વર્ષથી કરી છે , તેને ધ્યાને લેવામાં આવતી નથી. આથી આ મુદાને ગંભીરતાથી લઇ ઉચ્ચકક્ષાએ ન્યાય મેળવવા માટે પહોંચાડવા ગામના સરપંચ દ્વારા આજે બુધવારે સાંજે ૫ કલાકે રામજી મંદિર ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને જો સરકાર દ્વારા નવું ગામતળ મંજૂર નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની અને સરપંચપદ ઉપરથી રાજીનામુ આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

મોરબી તાલુકાનાં પાનેલી ગામે તા. ૧૯/૧૦ ના રોજ સાંજે પાંચ કલાકે રામજી મંદિર ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સરપંચ સહિતોએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે ગામને ગામતળ સર્વે નંબર ૧૪૦ શિતળા માતાજીના મંદિરથી કરીને પાણીના સંપ સુધીની ૧૦ એકર જમીન આપવાની માંગણી છેલ્લા વીસ વર્ષથી કરવામાં આવે છે તો પણ ગામના હક્કનું ગામ તળ મંજૂર કરવામાં આવ્યું નથી અને ગામતળ નીમ કરવાની સુચિત જગ્યા વિસ્તાર જીઆઈડીસીને જિલ્લા કલેકટર કચેરી તરફથી ફાળવી આપીને સમસ્ત પાનેલી ગામને ઘોર અન્યાય કરવામાં આવ્યો છે.

ગામતળ મંજૂર ન થાય તો જનઆંદોલનની ચીમકી સરપંચે આ તકે જણાવ્યું હતું કે આ ગામતળની જગ્યા માટે પાનેલી ગામના તમામ સમાજના લોકો છેલ્લા વીસ વર્ષથી માંગણી કરે છે છતાં પાનેલી ગ્રામ પંચાયતના વિરુદ્ધમાં અને ગામના લોકોનો પણ વિરોધ હોવા છતાં સરકાર દ્વારા જીઆઇડીસીને જમીન ફાળવી દેવામાં આવી છે, જેથી તાકીકદની અસરથી ગ્રામ સભા રાખવામા આવી છે અને આ ગ્રામ સભામાં ગામના વધુમાં વધુ લોકોને હાજર રહીને ગામના હક્કનું ગામતળ મંજૂર કરાવવાની લડાઈમાં સહયોગ આપવા માટે અનુરોધ કરાયો છે અને જો સરકાર દ્વારા ગામ તળ મંજૂર ન કરવામાં આવે તો આગામી દિવસોમાં સમસ્ત પાનેલી ગામના લોકોને સાથે રાખીને જન આંદોલન કરવાની ચર્ચા વિચારણા આ ગ્રામ સભામાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...