છુટા હાથની મારામારી...
વાંકાનેરના જીનપરા રોડ પર પેસેન્જર બેસાડવા બાબતે ઇકો કારના ચાલક અને રીક્ષાના ચાલક વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બોલાચાલી ઉગ્ર બનતા બંને પક્ષે છુટા હાથની મારામારી કર્યા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેરના જેતપરડા ગામના રહેવાસી બાબુભાઇ મોનાભાઇ સરૈયાએ હુશેનભાઇ મહમદભાઇ પીપરવાડીયા અને ફૈઝલ હુશેનભાઇ પીપરવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે તેઓ બપોરના સમયે વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે હાઇવે રોડ ઉપર હતા. ત્યારે તેમની ઇકો ગાડીના ડ્રાઇવર કરણભાઇ જયેશભાઇ બદ્રકીયાને હુશેનભાઇ મહમદભાઇ પીપરવાડીયા ગાળો દઇ મારતો હતો. હુશેનના હાથમાં છરી હતી જે ઉગામતા બાબુભાઇ વચ્ચે પડી છરી પકડી રાખી હતી. જે બાબતે બોલાચાલી અને મારામારી થઇ હતી. મારામારી શરૂ હતી તે વખતે હુશેનભાઇનો દીકરો ફૈઝલ પણ આવી ગયેલ અને તેણે પણ ગાળો આપી હતી. હુશેન તથા બાબુભાઇને વાહનનો ધંધો હોય અને પેસેન્જર ભરવા બાબતે અગાઉ પણ માથાકુટ થઇ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જ્યારે સામાપક્ષે હુસેનભાઇ મહમદભાઇ પીપરવાડીયાએ બાબુભાઇ ભરવાડ, કરણભાઇ પ્રજાપતી અને ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાની ઇકો ગાડીમાં પાછળ ના ભાગે બેઠા હતા. ત્યારે વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે આશરે બપોરના ત્રણેક વાગ્યાના સમયે તેમની ઇકોમાં બાબુભાઇ ભરવાડ તથા કરણભાઇ પ્રજાપતી આવીને બેઠા હતા. તે વખતે બન્નેએ કોઇ પણ કારણ વગર હુસેનભાઇને ગાળો દઇ તેમને માર માર્યો હતો. જે બાદ બીજા ત્રણ શખ્સો આવ્યા હતા અને તેમણે પણ ઢોર માર માર્યો હતો. આ વખતે બાબુભાઇએ છાતીમાં તેનો હાથ મારતા હુસેનભાઇને કડલુ વાગ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
ખનીજ ચોરો બન્યા બેફામ...
વાંકાનેરમાં ખનીજ ચોરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ બેફામ ખનીજ ચોરીને અંજામ આપી રહ્યા છે. જેમાં વસુંધરા ગામે રૂપિયા 11 લાખથી વધુની ખનીજ ચોરીની ઘટના સામે આવી છે. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જેમાં મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપર વાઇઝર મિતેશ રામભાઈ ગોજીયાએ જણાવ્યું હતું કે, વાંકાનેર મામલતદારની સૂચનાથી તેમણે તારીખ 03/02/2023ના રોજ મોજે વસુંધરા ગામે ગૌચરના સર્વે નં.89 પૈકી 2માં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બિન અધિકૃત બિલ્ડિંગ લાઇમ સ્ટોન ખનીજની ખનન અન્વયે 3 ખાડાઓની તપાસ કરવામાં આવતા દરેક ખાડાઓમાં 2-2 બિ.લાઇમ સ્ટોન ખનીજ ખનન કરવાની ચકરડી જોવા મળી હતી.
જે મુજબ કુલ-6 ચકરડીઓ અને 5 ઇલેક્ટ્રીક મોટર ઝડપાઇ હતી. જેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી હતી. બિન અધિકૃત થયેલી બિ.લાઇમ સ્ટોન ખનીજના ખોદકામની ત્રણેય ખાડાઓની માપણી અમારી સાથેના સર્વેયર એ જી.પી.એસ. મશીનથી માપણી કરતા આ વિસ્તારમાં કુલ 2188.02 મેટ્રિક ટન બિલ્ડિંગ લાઇમ સ્ટોન ખનીજનું ખોદકામ થયાનું સામે આવ્યું હતું. જેની કિંમત આશરે રૂપિયા 11 લાખ 2 હજાર 763 થતી હતી. જેને પગલે વસુંધરા ગામે રૂપિયા 11 લાખથી વધુની ખનીજ ચોરી થયાનું ખુલ્યું હતું.
જેથી વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 379 તેમજ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017ના નિયમ 3, 10, 12 (2) તથા એમ.એમ.આર.ડી. એક્ટ 1957ની કલમ 4 (1) અને 4 (1-એ) તથા 21ની પેટા કલમ 1થી 6 મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.