નિર્ણય:મચ્છુ-2 ડેમમાંથી 300 MCFT પાણી કેનાલમાં છોડવા આદેશ, રોજ 125 ક્યુસેક પાણી છોડાશે

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા પહેલાં ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે તે માટે પાણી આપવાની અરજી આવતા સિંચાઇ વિભાગનો નિર્ણય
  • ડેમમાં આજની તારીખે 1336 MCFT જીવંત જળજથ્થો હોય, પીવાના પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા નહીંવત

મોરબી જિલ્લાના સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં હાલ પીવાના પાણી સાથે સાથે સિંચાઇમાં ઉપયોગ લઈ શકાય તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ખેડૂતો દ્વારા આગોતરા વાવેતર કરવા પાણી છોડવા માગણી કરી હતી, જેને ધ્યાને લઇ મચ્છુ 2 ડેમમાંથી 300 એમસીએફટી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે અને તેના ભાગરૂપે દૈનિક 125 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

મોરબી શહેરની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં મોરબી શહેર અને આસપાસના 12 ગામમાં પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે તો કેનાલ નેટવર્ક માધ્યમથી દર વર્ષે 19 જેટલા ગામમાં સિંચાઇનું પાણી પણ અપાય છે. હાલ ચોમાસાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે અને મચ્છુ 2 ડેમમાં સિંચાઇ માટે પાણી આપી શકાય તેટલો જથ્થો ઉપલબ્ધ હોવાથી મોરબી તાલુકામાં મચ્છુ 2 ડેમની સિંચાઇ યોજના અંતર્ગત મુખ્ય કેનાલમાં આવતા ગામડાના ખેડૂતો દ્વારા આગોતરા વાવેતર માટે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી લેખિત માગણી કરી હતી.

જે બાદ ગત 11 મે ના રોજ સિંચાઇ સલાહકાર સમિતિ અંગેની બેઠક મળી હતી જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પાણી છોડવા મંજૂરી માટે આવેલી અરજી માન્ય રાખી પાણી છોડવા નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે મચ્છુ 2 ડેમમાંથી આજે 300 MCFT પાણી છોડવાનો આદેશ મળ્યો હતો જે મુજબ પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેનાલમાંથી દરરોજ આશરે 125 કયુસેકની આસપાસ પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. અને 300 એમસીએફટી જેટલું પાણી કેનાલમાં છોડવામાં આવશે. મચ્છુ 2 ડેમની પાણીની સંગ્રહ ક્ષમતા 3104 MCFTની છે અને આ વર્ષે 1470 MCFT પાણીનો સંગ્રહ થયો હતો જે પૈકી હાલની તકે 1336 MCFT જળજથ્થો હજુ ઉપલબ્ધ છે.

કેનાલની સફાઈ કામગીરી પણ શરૂ
હાલ મચ્છુ 2 ડેમમાથી પાણી છોડવામાં આવતાં કેનાલના કેટલાક વિસ્તારોમાં મોટા પાયે કચરો પણ એકઠો થયો હતો, જેના કારણે આસપાસની કેનાલ ઓવરફ્લો થવાની અને ખેડૂતોને નુકશાન જવાની પણ ભીતિ સેવાઈ રહી હતી. જેથી તંત્રે કેનાલમાં સફાઈ કામગીરી પણ હાથ ધરી હતી.

મોરબી તાલુકાના 17, માળિયાના 2 ગામને થશે લાભ
આ કેનાલમાં પાણી છોડવામાં આવતાં જેમને લાભ મળશે તેમાં મોરબી તાલુકા 17 ગામ અને માળીયા તાલુકાના 2 ગામમાં અંદાજીત 1200 હેકટર જમીનને સિંચાઇનું પાણી મળશે જેનાં કારણે ખેડૂતો ચોમાસુ શરૂ થયા પહેલા આગોતરા વાવેતર લઈ શકશે. તેમજ 1200 હેક્ટર જમીનને લાભ મળશે.

મચ્છુ 2 ડેમ હાલ 50 ટકા ભરેલો છે તેથી પાણી છોડાયું
મોરબીના મચ્છુ 2 ડેમમાં શહેર તેમજ આસપાસના વિસ્તારમાં પીવાના પાણી તેમજ સિંચાઇ માટે પાણી વિતરણ કરવામાં આવે છે અને ડેમમાં પાણીનો જથ્થો 50 ટકા જેટલો હોઇ, હાલ પીવાના પાણીની તંગી હાલ સર્જાય તેવી સંભાવના ન હોય અને ખેડૂતોએ આગોતરા વાવેતર માટે પાણી આપવામાં આવે તેવી માગણી કરી હતી. ખેડૂતોને સિંચાઇ માટે 2 પાણની જરૂર હોવાથી હાલ 300 એમસીએફટી પાણી આપવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં જરૂર જણાયે ઉચ્ચ કક્ષાએથી જે નિર્ણય લેવાશે તે મુજબ પાણી આપવામાં આવશે.તેમ મચ્છુ 2 સિંચાઇ યોજનાના સેક્શન ઓફિસર ભૂમિ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...