તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવમંદિરોમાં શિવભક્તો:પ્રથમ સોમવારે ભાવિકો શિવભક્તિમાં લીન, બમ બમ ભોલેના નાદ ગૂંજી ઊઠ્યા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા અરસા બાદ શિવાલયોમાં ભક્તોની ચહલપહલ દેખાઇ

કોરોનાએ વિદાય લઇ લેતાં અને સરકારે અમુક ગાઇડ લાઇનના પાલન સાથે મંદિરોમાં દર્શન, પૂજાની છૂટછાટ આપતાં ઘણા લાંબા અરસા બાદ મંદિરો અને શિવાલયોમાં ભાવિકોની ચહલપહલ દેખાઇ હતી, શ્રાવણ મહિનાનો શુભારંભ સોમવારથી જ થતો હોઇ પ્રથમ સોમવારે સવારથી જ શિવમંદિરોમાં શિવભક્તિની આહલેક ગુંજી હતી. બમ બમ ભોલેના નાદ, ઘંટારવ સાથે વાતાવરણ ધર્મમય બની ગયું હતું. ગોંડલ, જસદણ, મોરબી, વાંકાનેર, ધોરાજી, ઉપલેટા, જેતપુર સહિતના શહેરોના શિવમંદિરોમાં શિવભક્તોએ ભોળેનાથને ભજી વિશ્વને કોરોનાથી મુક્ત કરવા પ્રાર્થના કરી હતી.

ગોંડલથી 4 કિલોમીટર દૂર કોટડાસાંગાણી રોડ પર વેરી તળાવની બાજુમાં અતિ રમણીય અને સુંદર વાતાવરણ વચ્ચે 351 વર્ષ જૂનું અને પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. મંદિરમાં ગોંડલના રાજવી મહારાજા ભગવતસિંહજી પણ સુરેશ્વર મહાદેવના નિયમિત દર્શન કરતા હતા. મહંત શૈલેષપરી ગોસાઈ કે જેઓ 15 વર્ષથી મંદિરમાં સેવા પુજા કરે છે.

શ્રાવણ દરમિયાન સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભજન, ભોજન સહિતના આયોજન કરાયા છે. શ્રાવણ નિમિત્તે પ્રથમ આરતીનો સમય સવારે 3 કલાકે, બીજી આરતી 5 વાગે, ત્રીજી સવારે 6 કલાકે, ચોથી મંદિર આરતી બપોરે 8:30 કલાકે, પાંચમી આરતી બપોરે 12 : 30 વાગ્યે અને છઠ્ઠી આરતી સાંજે 7 કલાકે થશે. શ્રાવણ દરમ્યાન રોજ મહાદેવને અલગ અલગ શણગાર કરવામાં આવે છે.

અનેક શ્રધ્ધાળુઓ સુરેશ્વર મહાદેવના દર્શન, આરતીમાં ઉમટી પડ્યા હતા. બીજી તરફ જસદણના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર પણ સવારથી જ ભાવિકોથી છલકાયું હતું અને લોકોએ કતારમાં રહીને ભોળેનાથના દર્શન કર્યા હતા. મંદિરના પુજારી હસુભાઈ જોષી દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવશક્તિનો અનુપમ શણગાર કરાયો હતો. ઘેલા સોમનાથ મહાદેવના અનન્ય શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...