ભાસ્કર એક્સકલૂઝિવ:હળવદના રણમાં પ્રતિબંધિત વિસ્તારમાં ધમધમતી 11 ફેક્ટરીને તાળાં મારી દેવા નોટીસ, 5નાં વીજજોડાણ કટ

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • GPCBની કાર્યવાહી; બેરોકટોક ચાલતા સિલિકેટ,ઝીંક, સોલ્ટ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા એકમોને રૂ. 25 લાખનો દંડ અને બેંક ગેરંટી આપવા આદેશ

હળવદમાં કચ્છના નાના રણમાં આવેલા ઘુડખર અભયારણમાં ઉદ્યોગ સ્થાપવાની પરવાનગી ન હોવા છતાં કેટલીક ફેકટરી ધમધમતી હોવાની સાબીતી સામે આવી હતી અને અમુક સિલિકોનની ફેક્ટરી દ્વારા એસિડીક પાણી ઠાલવાતું હોવાની ફરિયાદ ઉઠતા પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડની મોરબી ખાતે આવેલી પ્રાદેશિક કચેરીના વડા કે. બી. વાઘેલા અને ટીમે એકશન લીધા હતા. જીપીસીબીની ટીમે ટીકર રણમાં વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ગેરકાયદ મીઠાના પ્રોસેસિંગ યુનિટ, સિલિકોનનું ઉત્પાદન તેમજ ઝીંક સોલ્ટનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું.

આ એક પણ યુનિટને કોઈ મંજૂરી આપવામાં આવી નથી. તેમજ આ તમામ એકમ ગેરકાયદે હતા. આ સિવાય કેટલાક એકમે તો ફેકટરીનું પ્રદુષિત એસિડિક પાણી છોડી ઘુડખરના અસ્તિત્વ પર જોખમ ઉભું કર્યું હતું. જેથી તાત્કાલિક તમામ એકમમાંથી છોડાયેલા પાણીના નમૂના તેમજ જરૂરી સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવતા ગાંધીનગર ખાતેથી તાત્કાલિક તમામ એકમને ક્લોઝર નોટિસ આપી વીજ કનેકશન કાપવા આદેશ ર્ક્યો હતો.

આ ઉપરાંત તમામ એકમને રૂ.25 લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ તમામ એકમને બેંક ગેરેટી આપવા પણ આદેશ કર્યો હતો. આજની કાર્યવાહીમાં શિવાય ઇન્ડસ્ટ્રી, કેમસ્ટોન ઇન્ડસ્ટ્રી, ખાણપણ ઇન્ડસ્ટ્રી, શિવકૃપા ઇન્ડસ્ટ્રી અને અન્ય એક કંપનીના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે.

ટીકર રણ વિસ્તાર રેડ ઝોનમાં હોવા છતાં પણ અનેક ઉદ્યોગો ઊભા થઇ ગયા
કેન્દ્ર સરકાર અને ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અમુક વિસ્તારને એમઓએફ જાહેર કરવામાં આવતા હોય છે, તે મુજબ રેડ ,ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ પ્રકારના ઝોન વહેંચવામાં આવ્યા છે, જેમાં ગ્રીન ઝોનમાં ઉદ્યોગને શરતને આધીન મંજૂરી મળે છે. ઓરેન્જમાં નક્કી કરેલા ધારા ધોરણવાળા એકમને જ મંજૂરી મળતી હોય, જ્યારે રેડ ઝોનમાં એક પણ ફેકટરીને ઉત્પાદન કરવાની પરમિશન હોતી નથી. હાલ આ જગ્યા રેડ ઝોનમાં આવતી હોય અને ત્યાં કોઈ ફેક્ટરીને પરમિશન ન હોવા છતાં ગેરકાયદે રીતે ચાલતી હતી જેથી અમે તેના પર કડક એકશન લીધા છે અને આ ફેકટરીના વીજ કનેકશન કાપવાના પણ ઓર્ડર કરી દેવાયા છે અને અમલ પણ થઇ ગયો છે. > કે.બી વાઘેલા, પ્રાદેશિક કચેરીના વડા, જીપીસીબી

મંજૂરી જ નથી તો વીજ કનેક્શન મળ્યું કઇ રીતે
હળવદના ટીકર અને આસપાસ કચ્છનું નાનું રણ ઘુડખર અભિયારણ છે અને ત્યાં લોકોને કોઈ પણ પ્રકારનો જોખમ કારક ધંધો કરવા પર પ્રતિબંધ હોવા છતાં ત્યાં ફેકટરીઓ ધમધમી રહી હતી તો જે ફેકટરીને ક્લોઝર નોટિસ આપી છે તેમજ જેની પર હાલ કાર્યવાહી થઈ રહી છે તે 11 યુનિટને ક્યાં આધારે વીજ કનેક્શન આપ્યું તે અંગે પણ તપાસ થવી જરૂરી છે.

વન વિભાગની ભૂમિકા પણ શંકાના દાયરામાં
કચ્છનું નાનું રણ આમ તો કચ્છ,મોરબી અને સુરેન્દ્રનગર એમ ત્રણ જિલ્લામાં ફેલાયેલું છે અને તેમાંથી કેટલાક કિમી વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે, તો આ ફેકટરી જે વિસ્તારમાં ધમધમે છે તે ગેરકાયદે હોય તો આજ દિન સુધી વન વિભાગ કેમ કાર્યવાહી કરતું નથી? તેવો સવાલ સહેજે થાય. હાલ આ વિસ્તારમાં ધ્રાંગધ્રા રેન્જ ફોરેસ્ટમાં આવે છે તો આ રેન્જ વિભાગ અને તેના ડિવિઝનલ કન્ઝર્વેશન ફોરેસ્ટ ઓફિસર શું કરી રહ્યા છે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...