ઇન્ચાર્જ ચીફ ઓફિસર આકરા પાણીએ:મોરબીમાં ફાયર NOC વગરના 156 બિલ્ડિંગ માલિકને નોટિસ

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસમાં ફાયર સિસ્ટમ નહીં લગાવાય તો બિલ્ડિંગને સીલ મરાશે

રાજ્યમાં ફાયર પ્રિવેન્શન એક્શન બાબતે ભૂતકાળમાં આચરવામાં આવેલી બેદરકારીના કારણે સુરતમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ભયંકર આગની ઘટના બની હતી, જેથી સરકારને જાણે સદબુધ્ધિ આવી હોય અને વિવિધ નગરપાલિકા અને મહાનગરપ લિકામાં કડક એક્શન લેવામાં આવ્યા હતા જેનાં ભાગરૂપે શહેરી વિકાસ વિભાગ અને રાજ્ય આપતી વ્યવસ્થાપન વિભાગ દ્વારા જરૂરી દિશા નિર્દેશ આપ્યો હતો જેને લઈ દરેકે નગરપાલિકા વિસ્તારમાં ફાયર સિસ્ટમ લગાવવા અને ફાયર વિભાગમાંથી એનઓસી લેવા આદેશ આપ્યો હતો.

જેને પગલે મોરબી નગરપાલિકા દ્વારા પણ 2021 માં મિલકત ધારકોને નોટિસ ફટકારી ફાયર પ્રિવેન્શન સિસ્ટમ લગાવવા અને પાલિકા પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવા આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ પાલિકા દ્વારા આ સિસ્ટમ ન લગાવનાર મિલ્કત ધારકોને ઓક્ટોબર 2021 માં નોટિસ ફટકારી હતી અને તેમ છતાં કેટલાક મિલ્કત ધારકોએ એનઓસી ન લેતાં ડિસેમ્બર 2021માં બીજી નોટિસ ફટકારી હતી બે બે નોટિસ ફટકારી હોવા છતાં મોરબી પાલિકા વિસ્તારમાં 156 બિલ્ડિંગમાં ફાયર એનઓસી લેવાઇ ન હતી કે ફાયર સિસ્ટમ ન લગાવાતા આજે મોરબી પાલિકા ઇન્ચાર્જ ચિફ ઓફિસર દ્વારા 156 બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે અને નોટિસ મળ્યાના ત્રણ દિવસમાં સિસ્ટમ લગાવવા સૂચના આપવામાં આવી છે. જો ત્રણ દિવસમાં સિસ્ટમ નહીં લગાવવામાં આવે તો આ મિલ્કત સીલ કરાશે.

આગામી દિવસોમાં આ પગલાં લેવાઈ શકે
મોરબી નગરપાલિકા વિસ્તારમાં જે પણ મિલ્કત ધારકોએ ફાયર સિસ્ટમ લગાવેલી નહીં હોય કે પછી એનઓસી નહીં મેળવી હોય તો નગરપાલિકા તરફથી પાણીના અને ગટરના કનેક્શન કટ કરવા, અને બિલ્ડીંગ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. બીજા તબક્કામાં મોરબી નગરપાલિકા હદમાં આવેલા હોટલ, વાડી/પાર્ટીપ્લોટ, મલ્ટીપ્લેક્ષ, સુપરમાર્કેટ, પેટ્રોલપંપ તેમજ કોમર્સિયલ બિલ્ડીંગને નોટીસ આપવામાં આવશે અને તેમાં કોઇ બાંધછોડ ચલાવી નહીં લેવાય.

અન્ય સમાચારો પણ છે...