"અમને ઘરનું ઘર ક્યારે મળશે?":મોરબીની વિચરતી અને વિમુક્ત જાતિની મામલતદાર સમક્ષ માંગ; "ફોર્મથી વંચીત રહી ગયેલાને રહેણાંક માટે પ્લોટ ફાળવો"

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના લોકો સ્થાયી જીવન જીવતા નથી. માટે તેઓ સ્થાયી જીવન જીવી શકે તે માટે સરકારની યોજના અંતર્ગત પ્લોટની ફાળવણી કરવામાં આવે છે અને આગામી સમયમાં તે લોકો પોતાના પ્લોટ ઉપર સરકારી યોજના હેઠળ બાંધકામ કરી શકે તેની પણ વ્યવસ્થા જે-તે સંસ્થા અને સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ મામલે ફોર્મથી વંચીત રહેલાને રહેણાંક માટે પ્લોટની ફાળવણી કરવા વિચરતી અને વિમુક્ત જાતિ દ્વારા વાંકાનેરના મામલતદાર સમક્ષ માંગ કરવામાં આવી છે.

વાંકાનેરના મામલતદાર સમક્ષ માંગ કરવામાં આવી
જેમાં સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામના સર્વે નં. 11 પૈકી 2માં જિલ્લા કલેક્ટર દ્વારા પ્લોટ ફાળવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં વિચરતી અને વિમુક્ત જાતિના પાંચથી છ સમુદાયને જિલ્લા કલેક્ટર દ્વારા 49 ઘરોને હુકમ આપવામાં આવ્યો છે. પરંતુ અન્ય લોકોના જાતિ દાખલા તાત્કાલિક ન નીકળવાના કારણે ફોર્મથી વંચીત રહી ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉપરાંત એવી માંગ કરી હતી કે તેમના સમાજના બાકી રહી ગયેલા તમામને જગ્યાની ફાળવણી તાત્કાલિક ધોરણે કરવી અને અન્ય જાતિના લોકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે.

બાકી રહી ગયેલા તમામને જગ્યાની ફાળવણી કરવા માગ
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અન્ય તમામ જાતિના લોકો ઘર વગર ઝુંપડા બનાવી અને ગરીબીમાં રહેતા હોય તેમને પણ એકસરખા પ્લોટીંગ મળવા જોઈએ. જેથી અન્ય સમાજના લોકોને અન્યાય ન થાય. તેથી સમાજના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, વિચરતી અને વિમુક્ત જાતિ સાથે ઘેરાસલાટ, વાંજા સમાજ, દેવીપુજક સમાજ, ભીલ સમાજ, ચુ. કોળી સમાજ અગીયારા તેવા સમાજના લોકોને એક સરખા પ્લોટીંગ ફાળવવામાં આવે, જેથી બધા સમાજને રહેણાંક માટે ઘર મળી રહે.

અન્ય સમાચારો પણ છે...