મોરબી શહેરના નવાડેલા રોડ પર નવો રોડ બન્યા બાદ પાણીના નિકાલની વ્યવસ્થા જોવા મળતી નથી. જેથી પાણી સતત ભરાયેલા રહેતા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જે મામલે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના સામાજિક કાર્યકર જીતુભાઈ ઠક્કરે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે, નવાડેલા રોડ પર તાજેતરમાં નવો રોડ બન્યા પછી વરસાદી પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે. નવો રોડ ઉંચો બનતા અને જુનો રોડ જે વિજય ટોકીઝથી નવાડેલા રોડ પર આવેલ છે. તે નીચો રહી જતા પાણી ભરાવવાનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. વરસાદી પાણીના કાયમી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. વરસાદી પાણીને સીધું ભૂગર્ભ ગટરમાં જોડી દેતા તે નિકાલ પણ ચોકઅપ થઇ ગયો છે. વરસાદ પછી પાણી લાંબો સમય રોડ પર રહે છે. જેથી ગંદકી થતા મચ્છરનો ત્રાસ વધ્યો છે. તો વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવે છે. જેથી પાણીના નિકાલ મામલે યોગ્ય પગલા ભરવા માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.