મોરબીનો સિરામિક ઉદ્યોગ એકલા હાથે ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે. જોકે વીતેલા વર્ષમાં ગેસના ભાવોમાં થયેલા સતત વધારાથી ઉદ્યોગને પડતર ખર્ચ વધી જતા સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું હતું અને ગેસના ભાવમાં ઘટાડા માટેની માંગ આખરે સરકારે સ્વીકારી લીધી છે. ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવોમાં 7 રૂપિયાનો ઘટાડો કરતા સિરામિક ઉદ્યોગકારો ખુશખુશાલ થયા છે.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપનીએ રૂ.7 નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ડિસ્કાઉન્ટ અંગે ઉદ્યોગકારોને જાણ કરવામાં આવી છે. ગુજરાત ગેસ કંપનીએ રૂ.7 નો ઘટાડો કર્યો છે. જેથી નોન એમજીઓ યુનિટને હવે ગેસ 67.79 ના બદલે 7 રૂપિયાના ઘટાડા સાથે રૂ.60.79 ના ભાવથી મળશે.
જ્યારે એમજીઓ કરનાર યુનીટને ગેસ હવે 47.93 રૂપિયાના ભાવથી મળશે. અગાઉ ગેસનો ભાવ 54.89 હતો. અને હવે 7 રૂપિયા ઘટાડો થતા નવો ભાવ 47.93 રહેશે. ત્રણ માસના MGO કરનાર યુનીટને રૂપિયા 46.43 અને 1મહિનાનો MGO કરનાર યુનિટને 47.93 રૂપિયાના ભાવથી ગેસ મળી રહેશે. જે ભાવઘટાડો તા. 04 જાન્યુઆરીથી લાગુ થઇ જશે. ગેસના ભાવમાં ઘટાડો કરવાની માંગ આખરે સ્વીકારવામાં આવી છે, જેથી ઉદ્યોગને હાશકારો થયો છે.
સિરામિક ઉદ્યોગના પ્રશ્નો સબબ ધારાસભ્ય કાંતી અમૃતિયાને સાથે રાખીને ઉદ્યોગપતિઓએ ગાંધીનગર ખાતે રજૂઆત કરી હતી અને તેના ફળ સ્વરૂપે રૂ.7 નો ઘટાડો થયો છે. જેથી સિરામિક એસોના પ્રમુખ મુકેશ કુંડારિયા, હરેશ બોપલીયા, વિનોદ ભાડજા અને કિરીટ પટેલે ધારાસભ્ય કાંતી અમૃતિયા તેમજ ગુજરાત સરકારનો આભાર માન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.