વાંકાનેર પંથકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની 15 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને 20 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. આ દુષ્કર્મના કારણે સગીરા ગર્ભવતી બની હતી અને બાળકીને જન્મ પણ આપ્યો હતો. પોક્સો એક્ટ અંતર્ગત દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી રહ્યો હતો અને કોર્ટે આ નરાધમને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર પંથકમાં રહીને મજૂરી કરતા શ્રમિક પરિવારની 15 વર્ષ 5 માસની સગીર વયની દીકરીને આરોપી કિરણ આડે લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરા ગર્ભવતી બની હતી અને સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેણીએ દીકરીને જન્મ આપ્યો હતો. આરોપી કિરણ આડ છેલ્લા એકાદ વર્ષથી શરીર સંબંધ બાંધતા પેટમાં ગર્ભ રહી ગયાનું સગીરાએ જણાવ્યું હતું. જેથી બનાવ મામલે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
જે ફરિયાદને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. જે કેસ ડી.પી.મહીડાની સ્પેશ્યલ પોક્સો કોર્ટ મોરબીમાં ચાલી રહ્યો હતો. મદદનીશ સરકારી વકીલ સંજય દવેએ કોર્ટમાં 10 મૌખિક પુરાવા અને 33 દસ્તાવેજી પૂરાવા રજુ કર્યા હતા. જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી કિરણ આડને કસુરવાર ઠેરવ્યો હતો અને આરોપીને આઈપીસી કલમ 376(2), 376 તેમજ જાતીય સતામણીથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ 2012ની કલમ 5L, 6 મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 20 હજાર દંડ ના ભરતા વધુ 6 માસની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે.
તે ઉપરાંત ભોગ બનનારને વળતર સ્કીમ મુજબ રૂ. 4,12,500 વળતર અને આરોપીના દંડ પેટેની રકમ રૂ. 20000 મળીને કુલ રૂ. 432500નું વળતર અને આરોપી દંડની રકમ ના ભરે તો રૂ. 4,12,500 નું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.