શાળાઓ બનશે કિલ્લોલતું ઉપવન:મોરબીમાં 97 હજારથી વધુ બાળકોમાં સ્કૂલે જવાનો રોમાંચ, અમુક સંચાલકો પ્રારંભમાં વાલીઓને જ બોલાવશે

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ જગ્યા હવે બાળકોની રાહમાં છે. - Divya Bhaskar
આ જગ્યા હવે બાળકોની રાહમાં છે.
  • જિલ્લાની ખાનગી અને સરકારી મળીને 812 શાળામાં આજથી અભ્યાસ શરૂ : ઓનલાઇન શિક્ષણ પણ યથાવત્ રહેશે

મોરબી જિલ્લાની સરકારી અને ખાનગી મળીને કુલ 812 શાળામાં આજથી દિવાળી અને કોરોના વેકેશન પૂર્ણ થશે અને ધો. 1 થી 5ના 97 હજારથી વધુ બાળકો મોબાઇલથી અભ્યાસ કરવાને બદલે શાળાએ રૂબરૂ જશે. જો કે અમુક ખાનગી શાળા સંચાલકોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે અમે એસઓપીના પાલન મુદે મક્કમ છીએ અને શરૂઆતના દિવસોમાં અમે બાળકોને નહીં, વાલીઓને બોલાવીશું અને તમામ કાર્યવાહી તેમજ એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ)ના પાલન અંગે અવગત કરાવીશું અને બાદમાં સ્થિતિનું અવલોકન કર્યા બાદ જ બાળકોને આવકારીશું. જો કે 20 મહિના બાદ શાળાઓ શરૂ થઇ રહી હોય વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ધો.6 થી 12ના વિદ્યાર્થીઓ માટે તો દીવાળી વેકેશન હતું એ પૂર્ણ થશે અને આજથી ફરી શિક્ષણ કાર્ય ધમધમશે. જો કે આ બાબતે પણ શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે એસઓપીનું પાલન દરેક શાળા માટે ફરજિયાત છે અને રહેશે જ અને એ મર્યાદામાં જ શિક્ષણ આપવાનું રહેશે.

જિલ્લાની કુલ 812 શાળામાં આજથી શરૂ થશે ધમધમાટ
દિવાળી વેકેશન પૂર્ણ થતાંની સાથે મોરબી જિલ્લાની 592 સરકારી શાળા અને 210 જેટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મળી કુલ 812 શાળાઓ સોમવારથી ધમધમતી થઈ જશે. અને 6થી 12ના છાત્રોની સાથે સાથે હવે ધોરણ 1થી 5ના વિધાર્થીઓ પણ શાળામાં જતા થઈ જશે. આથી જોવાનું એ રહે છે કે કેટલા વાલીઓ આ માટે સંમત થાય છે. જો વાલીઓ ઇચ્છશે તો તેમના બાળક માટે ઓનલાઇન શિક્ષણ જારી રાખી શકશે. અમુક ખાનગી શાળાના સંચાલકોએ એવું જણાવ્યું હતું કે શરૂઆતના દિવસોમાં અમે બાળકોને નહીં, તેમના વાલીઓને બોલાવીશું અને સમજાવીશું કે આખી પ્રક્રિયા શું છે.

કેટલીક શાળાઓએ ફીની ઉઘરાણી પણ શરૂ કરી દીધી હોવાનો રોષ
મોરબીમાં સરકાર દ્વારા હજુ તો શાળા શરૂ કરવાની મંજૂરી આપી છે.શાળાઓ શરૂ પણ નથી થઈ તે પહેલાં જિલ્લાની કેટલીક શાળાઓ વાલીઓને મેસેજ અથવા ફોન કરી ફી ઉઘરાણી પણ શરૂ કરી દીધી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. આથી વાલીઓમાં પણ અસંતોષની લાગણી ફરી વળી છે.

વાલીઓની લેખિત સંમતિ હોવી આવશ્યક છે
બાળકોને શાળાએ મોકલવા માગતા વાલીઓએ અગાઉથી લેખિત સંમતિ આપવી પડશે અને જે વાલીઓ ન મોકલવા માગતા હોય તેમના માટે શાળાએ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવું પડશે. મોરબી જિલ્લામાં 97,154 છાત્રો નોંધાયેલા છે.

મારે દીકરાને પ્રથમ વાર સ્કૂલે મોકલવાનો છે
આ વર્ષે મારો દીકરો 6 વર્ષનો થયો. 2019માં કે.જીમાં શાળાએ મૂકવા માગતા હતા પણ કોરોનાના કારણે દોઢ વર્ષથી શાળા બંધ હોવાથી સ્કૂલે મોકલી ન શક્યા. હવે પ્રથમવાર શાળાએ જશે .જો કે તેને શાળામાં મોકલવો મુશ્કેલ છે પણ ટેવાઈ જશે.

ચિંતા હજુ એ છે કે શું ફરી કોરોનાના કેસ સામે આવશે તો ફરી શાળા બંધ ન થઈ જાય. અત્યાર સુધી તો થોડું ઘણું તેને ઘરે જ શીખવતા હતા અને શાળા શું છે તેની તો તેને ખબર જ નથી. અોનલાઇન શિક્ષણ પણ મહામહેનતે શીખવતા. હવે જ્યારે શાળા શરૂ થઇ રહી છે ત્યારે એક તરફ બાળકને શાળાએ મોકલવાનો રોમાંચ પણ છે અને થોડો છૂપો ડર પણ.- દિલીપભાઈ સોલંકી,વાલી,મોરબી

અન્ય સમાચારો પણ છે...