ઋતુજન્ય બીમારી:મોરબી સિવિલ હોસ્પિટલમાં બાળકોમાં શરદી અને તાવના રોજના 70થી વધુ કેસ

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગરમી ઠંડીના બેવડા અનુભવથી માંદગી વધી: ડેન્ગ્યુ -મલેરિયાના કેસ નહિવત હોવાનો આરોગ્ય વિભાગનો દાવો

કોરોનાની બીજી લહેરમાંથી મોરબી હજું માંડ બહાર નીકળ્યું હતું. જનજીવન થાળે પડ્યું છે. ત્યાં ફરી સિઝનલ બીમારીએ માથું ઊંચક્યું છે. મોરબીની સિવિલ હોસ્પિટલ હોય કે ખાનગી ક્લિનિક કે પછી પીએચસી દરેક સ્થળે તાવ શરદીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને નાનાં બાળકોમાં આ પ્રકારના કેસ વધુ જોવા મળે છે. મોરબીમાં છેલ્લા એક પખવાડિયાથી વરસાદ ખેંચાયો છે અને વાતાવરણમાં પણ ભેજનું પ્રમાણ હોવાથી સવારે અને સાંજે ઠંડુ વાતાવરણ રહે છે તો દિવસે વાદળની આવન જાવન વચ્ચે તડકો છાયો જોવા મળી રહ્યો છે જેના કારણે ગરમી અને ઉકળાટનો પણ અનુભવ થઈ રહ્યો છે.

આથી વાયરલ બીમારીએ માથું ઊંચક્યું છે. મોરબીમાં આવેલા બાળકોની હોસ્પિટલમાં તેમજ ક્લિનિકમાં છેલ્લા 10થી 12 દિવસ દરમિયાન ઓપીડી વધી હોવાનું તબીબ જણાવી રહ્યા છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં પણ જુલાઈના અંતિમ સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં એવરેજ 60થી 70 કેસ આવી રહ્યા છે. જે જુલાઈ મહિનાના બીજા ત્રીજા સપ્તાહમાં માત્ર 30 થી 35 કેસ રહ્યા હતા.

જિલ્લાની અલગ અલગ ખાનગી ક્લિનિકમાં પણ શરદી ઉધરસ અને તાવના કેસમાં વધારો થયો હોવાનું તબીબ જણાવી રહ્યા છે. મોરબી જિલ્લામાં સત્તાવાર હજુ મેલેરિયા કે ડેન્ગ્યુના કેસ નોંધાયા નથી. જો કે મોરબી શહેરના પછાત વિસ્તારમાં તેમજ આસપાસના પંચાયત વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધતા મેલેરિયાનું પ્રમાણ વધવાની પણ દહેશત પ્રસરી રહી છે.

પાણીને ઉકાળીને જ પીવાનો આગ્રહ રાખો, બહારનો ખોરાક ટાળો

  • હાલ ગરમી અને ઠંડી સાથે અનુભવ થતો હોવાથી ઠંડા પીણાં આઈસ્ક્રીમ જેવી વસ્તુનો ઉપયોગ ટાળવો જોઇએ
  • પાણીને ઉકાળીને જ પીવાનો આગ્રહ રાખવો જોઇએ.
  • બહારનો ખુલ્લો ખોરાક ખાવાનું ટાળવું જોઇએ અને ઘરનો તાજો ખોરાક જ ખાવાનો આગ્રહ રાખવો જોઇએ
  • ઘર પાસે મચ્છરનો ઉપદ્રવ હોય તો સાંજના સમયે લીમડાનો ધુમાડો કરવો અને શક્ય હોય તો મચ્છરદાનીનો ઉપયોગ કરો

મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવવા આ પગલાં લેવા જરૂરી
ચોમાસામાં ઘરમાં તેમજ આસપાસના ખાડામાં ભરાતા પાણીમાં માદાએનાફિલિસ મચ્છર ઉત્પન્ન થાય છે. તો એર કુલર, પાણીની ટાંકી, ખાલી લીલા નાળિયેર અને અન્ય ખુલ્લા પાત્રમાં ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છર ઉતપન્ન થાય છે. જેથી આ મચ્છરની ઉતપન્ન થતા અટકાવવા ઘરમાં કે ઘરની બહાર જ્યા પણ વરસાદી પાણી ભરાઈ શકે તે જગ્યાની સફાઈ કરી વરસાદી પાણી ખાલી કરવુ, ઘર વપરાશના પાણીની ટાંકીમાં કેરોસીનનું એક ઢાંકણ કે બડેલ ઓઇલનું એક ઢાંકણ નાખવું, ટાકામાં કે ઘરની આસપાસ જળાશયોમાં પોરા માછલીઓ નાખી મચ્છર ઉત્પન્ન થતા અટકાવવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...