વિરોધ:મોરબીમાં રાષ્ટ્રીયકૃત બેંકોની 40 શાખાના 400થી વધુ કર્મચારીની હડતાળ, 450 કરોડથી વધુનું ક્લિયરિંગ ઠપ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકિંગ સેક્ટરના ખાનગીકરણની કેન્દ્ર સરકારની હિલચાલનો વિરોધ, ચાલુ સપ્તાહમાં 3 દિવસ બેંક બંધ રહેશે , શનિવારે બેંક ચાલુ રહેશે

કેન્દ્ર સરકાર હાલ અલગ અલગ સરકારી મિલકતોનું ખાનગીકરણ કરવા જઈ રહી છે. અલગ અલગ એરપોર્ટ, રેલવેના અલગ અલગ વિભાગ,એલ આઈ સી સહિતના અલગ અલગ સેક્ટરમાં ખાનગી કંપનીઓને તેનું સંચાલન સોંપી રહી છે.આવા અલગ અલગ સેકટરમાં બેંકિંગ સેક્ટરનો પણ સમાવેશ થઈ રહ્યો છેે.

સરકાર હવે ધીમે ધીમે રાષ્ટ્રીય કૃત બેંકને પણ ખાનગી કંપની હવાલે કરી રહી હોવાથી દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે.આજથી બે દિવસ સુધી દેશભરમાં બેંકિંગ કર્મીઓ હડતાળ પર ઉતરી રહયા છે. આજથી બે દિવસની રાષ્ટ્વ્યાપી હડતાલમાં જોડાઈને રાષ્ટ્રીય કૃત બેંકના કર્મીઓએ કિસાનોની જેમ આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીમાં પણ ખાનગીકરણના વિરોધ સામે બેંક ઓફ બરોડા સામે કર્મચારીઓ એકઠા થયા હતા અને કેન્દ્ર સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર દેશની સરકારી સંસ્થાઓ ખાનગી હાથમાં ન સોંપવા માગણી કરી હતી. કર્મચારીઓએ જણાવ્યું હતું કે જો બેંકિંગ સેક્ટર ખાનગી થશે તો લોકોને ઉંચા દરે લોન મળશે, તેની બચત પર વ્યાજ ઘટશે,લોકોની નોકરી છીનવાશે, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બેન્ક ગ્રાહકોનું શોષણ કરશે, જેના કારણે લોકોને હાલાકી થશે તેવા ભય વ્યક્ત કર્યો હતો.

મોરબી શહેરની વાત કરીએ મોરબીની અલગ અલગ રાષ્ટ્રીય કૃત બેંકની 40 શાખાના 400થી વધુ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે જેના કારણે બે દિવસ દરમ્યાન કુલ 450 કરોડથી વધુનું ક્લિયરીંગ ઠપ્પ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બેંકની 2 દિવસની હડતાળ બાદ શનિવારે બેંક ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં અાવી છે અને રવિવારની જાહેર રજા પડશે, જેથી આગામી દિવસોમાં રજા રહેતા લોકોને હાલાકીનો સમનો કરવો પડશે.

ATMમાં નાણાંનો પૂરતો સ્ટોક
બેંકના અાધિકારિક સુત્રોએ ગ્રાહકોને પડનારી તકલીફો અંગે જણાવ્યું હતું કે હડતાળ પૂર્વ યોજિત હોવાથી અમે એટીઅેમના બોક્સ ફૂલ કરી દીધા છે, આથી લોકોને નાણાં વગર અટકવું નહીં પડે. બીજી તરફ અનેક ગ્રાહકો બેંકની ઓનલાઇન સેવાનો ઉપયોગ કરતા હોય તેમનો સવાલ નથી, પરંતુ જેઓ બેંકની રૂબરૂ સેવાનો લાભ લે છે તેમને થોડી હાલાકી થશે, જો કે શનિવારે બેંક ચાલુ રાખવામાં આવનાર છે. અને રવિવારની રજા બાદ સોમવારથી નિયત સમયથી તમામ સેવાનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...