108 રેડી:40થી વધુ સ્ટાફ 10 સ્થળે 24X7 સ્ટેન્ડ ટુ

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લામાં આગ અને અકસ્માતની ઘટનાને પહોંચી વળવા ઇમર્જન્સી સેવાનું આગોતરૂ આયોજન
  • સામાન્ય રીતે દિવાળીના મિનિ વેકેશન દરમિયાન દુર્ઘટનાઓનું પ્રમાણ 35% વધી જતા તંત્ર એલર્ટ મોડ પર

આજથી દિવાળી પર્વની શરૂઆત થઇ ચૂકી છે. આગામી લાભ પાંચમ સુધી લોકો તહેવારની ઉજવણીના મૂડમાં આવી ગયા છે. લોકો જ્યારે તેમના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરવાના આયોજન કરી રહ્યા છે ત્યારે મોરબીમાં 108ની ટીમ લોકોની આકસ્મિક ઘટનામાં ઓછામાં ઓછી જાનહાની થાય તે પ્રકારનું આયોજન કરી રહ્યા છે. મોરબી શહેર અને જિલ્લામાં સામાન્ય રીતે તહેવાર દરમિયાન આગ અકસ્માત, તેમજ વાહન અકસ્માતના કેસમાં 35 ટકાનો વધારો આવતો હોય છે.

સામાન્ય દિવસે જ્યારે જિલ્લામાં નાની મોટી ઘટનાના દૈનિક 45થી 50 કેસ આવતા હોય છે તો દિવાળીથી લાભ પાંચમ સુધીમા આ દૈનિક કેસ 70થી 75 પહોંચી જતા હોય છે. આવા સમયે ઈજાગ્રસ્તને ઝડપી સારવાર મળે તે હેતુથી મોરબીમાં 108ની ટીમના પ્રોગ્રામ ઓફિસર નિખીલ બાકરેએ જિલ્લાના અલગ અલગ 10 લોકેશન સ્થળ પર તૈનાત 108 વાન ઝડપથી દુર્ઘટના સ્થળ પર પહોચી શકે તે અંગે આયોજન કર્યું છે. મોરબી જિલ્લામાં આગ કે વાહન અક્સ્માત ઘટના વખતે લોકોને સારવાર માટે 108ને બને તેટલો ઝડપથી ફોન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં લોકો સુધી 108ની ટીમ ઝડપી પહોચી. શકે તે.માટે 10 લોકેશન પર 24x7 સેવા મળે તે માટે 22 પાઇલોટ અને 21 ઇએમટીની રાઉન્ડ ધી કલોક ડ્યુટી ફાળવામાં આવી છે.આ ઉપરાંત તેમની કામગીરી પર યોગ્ય મોનીટરીંગ માટે પણ સ્ટાફ નિમણુંક કરાઈ છે.

ફટાકડા ફોડતી વખતે આગના અકસ્માત ટાળવા આટલું કરવું
આગ અકસ્માતના બનાવથી બચવા ફટાકડા સુરક્ષિત જગ્યાએ ફોડવા, બાળકો ફટાકડા ફોડે ત્યારે હંમેશા વડીલે સાથે રહેવું,રસ્તા પર કે સાંકડી ગલીમાં ફટાકડા ન ફોડવા, ફટાકડા ફોડતી વખતે નાઇલોન કે ઝડપથી આગ પકડે તેવા કપડાં પહેરવાને બદલે સુતરાઉ કાપડ પહેરવા. જો આગ લાગે તો આગ પાણી ફેંકવાને બદલે જાડા કાપડથી બુઝાવવા પ્રયાસ કરવો અને દાઝેલી વ્યક્તિને ઝડપથી હોસ્પિટલમાં પહોંચાડવા. જો હોસ્પિટલ નજીક હોય તો ત્યાં સંપર્ક કરવો, દૂર હોય તો 108નો સંપર્ક કરવો. વાહન અકસ્માતના બનાવ વખતે ઈજાગ્રસ્ત લોકોને વાહનમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવા, તેઓ શ્વાસ લઈ શકે તે માટે લોકોએ ભીડ ન કરવી, તાત્કાલિક 108ને જાણ કરવી.

આ લોકેશન પર રહેશે 11 ટીમ
1.લાલબાગ મોરબી, 2 સિવિલ હોસ્પિટલ મોરબી,3 માર્કટિંગ યાર્ડ શનાળા રોડ મોરબી,4 મહેન્દ્રનગર ગામ પંચાયત,5ટંકારા ગામ,6વાંકાનેર શહેર, 7મકનસર ગ્રામ પંચાયત, 8જેતપુર મચ્છુ ગ્રામ પંચાયત,9આમરણ ગ્રામ પંચાયત,10 માળીયા મિયાણા શહેર પર તૈનાત કરાશે.

ગંભીરતા આધારે સેવા લેવી
તહેવારમાં અકસ્માત વધી જતા હોય છે.108ને જ્યારે પણ અકસ્માત અંગે ફોન આવે તો તુરત સ્થળે પહોંચવા પ્રયાસ કરશે તેમને સ્થિતિ વિશે ખ્યાલ હોતો નથી. આથી લોકોને તાકીદ કરી છે કે દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ફોન કરવો જેથી જરૂરિયાતમંદને તાત્કાલિક સારવાર મળે.

અન્ય સમાચારો પણ છે...