ઉદ્યોગકારોનો નવો રસ્તો:મોરબીના 230થી વધુ ઉદ્યોગકારની ખૂલતા વેકેશનથી પ્રોપેન ગેસ જ વાપરવાની તૈયારી

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેચરલ ગેસમાં વારંવાર ભાવ વધારો ઝીંકાયો હોઇ, સિરામિક ઉત્પાદનની પડતર કિંમત ઊંચી આવતાં ફેક્ટરી માલિકોનો નિર્ણય

વિશ્વભરમાં સિરામિક ક્ષેત્રમાં અલગ ઓળખ ઉભી કરનાર મોરબીના સિરામિક ઉદ્યોગને છેલ્લા 8 -10 મહિનામાં ખુબ ઝડપથી ગેસના ભાવ વધારાનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને યુક્રેન યુદ્ધ બાદ તો અગાઉની સરખામણીમાં બમણા ભાવે નેચરલ ગેસ લેવાની ફરજ પડી હતી, જેના કારણે સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન ખુબ વધારે ખર્ચાળ બનતા ઉદ્યોગકારો અવાર નવાર ભાવ ઘટાડો કરવાની માંગણી કરી રહ્યા હતા. જો કે ગુજરાત ગેસ દ્વારા યોગ્ય ભાવ ઘટાડો ન આવતા બીજા વિકલ્પ તરફ વળવા ઉદ્યોગકારો મજબુર બન્યા હતા જે બાદ મોરબીના ઉદ્યોગકારો પ્રોપેન ગેસના ઉપયોગ તરફ વળ્યા છે.

છેલ્લા 6 મહિનામાં 100 જેટલા યુનિટમાં પ્રોપેન ગેસનો વપરાશ શરુ કરવામાં આવ્યો હતો. આ ઉદ્યોગકારોને પ્રોપેન ગેસ વપરાશનો અનુભવ સારો રહેતા ધીમે ધીમે બીજા ઉદ્યોગકારો તેમના તરફ વળ્યા છે.મોરબીના અમુક સિરામિક ઉદ્યોગકારો દ્વારા હાલમાં વેકેશન રાખવામા આવ્યું છે. જો કે, કારખાનામાં સિરામિક ટાઇલ્સના ઉત્પાદન માટે પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે, તે નેચરલ ગેસ કરતાં સસ્તો પડી રહ્યો છે. જેથી કરીને પ્રોપેન ગેસના ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવશે તો જ અચ્છે દિન આવશે તેવો ગણગણાટ મોરબીમાં થવા લાગ્યો છે.

મોરબીના ઉદ્યોગકારો માલની પડતર કિંમત નીચી લાવવા માટે નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે અને પહેલા 100 જેટલા કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો ત્યાર બાદ વધુ 50 કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરવામાં આવેલ છે. આમ કુલ મળીને 150 કારખાનામાં જુલાઇ માહિનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. હવે વધુ 80 કારખાનામાં આગામી દિવસોમાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં કુલ 215 કરતાં વધુ કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ ચાલુ કરવાની તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે.

પ્રોપેન ગેસ નેચરલ ગેસ કરતાં રૂ. 17 સસ્તો પડે છે
ઉદ્યોગકારોના મતે મોરબીમાં ટેક્સ સાથે નેચરલ ગેસ જે ભાવે આપવામાં આવે છે તેના કરતાં પ્રોપેન ગેસ સરેરાશ 17 રૂપિયા સસ્તો પડી રહયો છે જેથી કરીને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને જો સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે તો માલની પડતર કિંમત નીચી આવે છે જેથી કરીને નેશનલ અને ઇન્ટર નેશનલ માર્કેટમાં ટકી રહેવા માટે ઉદ્યોગકારોને પ્રોપેન ગેસ ઑક્સીજન સમાન બની રહયો છે.

70 લાખ ક્યુબીક નેચરલ ગેસ વપરાતો, હવે 45 લાખ ક્યુબીક
એક વર્ષ પહેલા સિરામિક ઉદ્યોગમાં 70 લાખ ક્યુબીક ગેસનો વપરાશ હતો ધીમે ધીમે ઉદ્યોગકારો પ્રોપેન ગેસ તરફ વળતા વેકેશન પહેલા 45 લાખ ક્યુબીક જેટલો ગેસ ગુજરાત ગેસ તરફથી પૂરો પાડવામાં આવતો હતો. હાલ તો વેકેશન ચાલુ છે, પરંતુ વધુ 80 જેટલા કારખાનામાં નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે જેથી કરીને વેકેશન ખૂલે એટ્લે અંદાજે 215 જેટલા કારખાનામાં હવે પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને માલનું ઉત્પાદન કરવામાં આવશે જેથી આગામી દિવસોમાં ગુજરાત ગેસને મોટા પાયે ગેસ સપ્લાયમાં ઘટાડો આવે તેવી સંભાવના વધી છે.

અન્ય સમાચારો પણ છે...