ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ:મોરબીનું 89.20 % પરિણામ, જિલ્લાની 8માંથી 5 સરકારી શાળાનું પરિણામ 90 %થી વધુ આવ્યું

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં 5395 વિદ્યાર્થીની નોંધણી થઈ જેમાંથી 5379એ પરીક્ષા આપી હતી
  • 4914 પાસ અને 481 નાપાસ: હળવદ કેન્દ્ર 94.26 % સાથે મોખરે, મોરબીનું સૌથી ઓછું 87.21 %
  • ખાનગીની સરખામણીમાં સરકારી શાળાના અભ્યાસનું સ્તર સુધર્યું, વવાણિયા હાઇસ્કૂલનું 100 % પરિણામ, તમામ 9 વિદ્યાર્થી પાસ જાહેર

બે વર્ષ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ આ વર્ષે લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા નોંધાયું હતું, જ્યારે મોરબી જિલ્લાનું પરિણામ 89.20 ટકા રહ્યું હતું. આમ જિલ્લાનું પરિણામ બોર્ડની સરખામણીમાં 2.29 ટકા વધુ રહ્યું હતું. ઉત્તીર્ણ થયેલા છાત્રોની સંખ્યા જોઈએ તો કુલ 5395 છાત્રોની નોંધણી થઈ હતી. જેમાંથી 5379 છાત્રોએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 4914 છાત્રો પાસ થયા છે. જ્યારે 481 છાત્રો પાસ થઈ શક્યા નથી.

નોંધનીય બાબત એ રહી છે કે મોરબી જિલ્લાની 8 સરકારી માધ્યમિક શાળાનું પરિણામ સંતોષ જનક આવ્યું છે અને 8માંથી 5 શાળાનું પરિણામ 90 ટકાથી વધુ આવ્યું છે. 8 સરકારી શાળાના 391 છાત્રોમાથી 321 છાત્રો ઉત્તીર્ણ થયા છે એટલે કે આ શાળાઓનું પરિણામ 81.10 ટકા રહ્યું છે. આ 8 શાળામાંથી વવાણીયા ગામની સરકારી માધ્યમિક શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. અહીં 9 છાત્રોએ પરીક્ષા આપી હતી અને તે તમામ પાસ થયા છે. આ જ રીતે મોડેલ સ્કૂલ મોટી બરારમાં પણ 32 માંથી 31 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

જ્યારે એક છાત્ર માત્ર એક વિષયમાં નિષ્ફળ રહી હતી. તો આમરણ ગામની માધ્યમિક શાળામાં 42 માંથી 39 છાત્રો પાસ થયા છે. અને આ શાળાનું પરિણામ 92.86 ટકા રહ્યું છે. હળવદના ટીકર રણ ખાતે આવેલી સરકારી હાઈસ્કૂલમાં પણ 26માથી 25 છાત્રો પાસ થયા છે અને આ શાળાનું પણ 96.88 ટકા પરિણામ રહ્યું હતું. હળવદની મયુરનગર માધ્યમિક શાળામાં 46 માંથી 43 છાત્રો ઉત્તીર્ણ થયા છે અને તેનું પરિણામ 93.48 ટકા રહ્યું છે.

ઉપરાંત મોરબીની બગથળા હાયર સેકન્ડરી હાઈસ્કુલમાં 36માંથી 29 છાત્રો પાસ થયા હતા. આ જ રીતે હળવદની રણમલપુર શાળામાં 22 માંથી 19 પાસ થયા છે અને તેનું પરિણામ 86.36 ટકા નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ખાનગી શાળાઓમાં ભણાવવા માટે વાલીઓ પણ આગ્રહ રાખતા હતા અને તેના સ્તર વિશે વાલીઓના મનમાં અલગ છાપ રહેતી પરંતુ મોરબી જિલ્લાની સરકારી શાળાઓએ પોતાની છાપ સુધારતાં આ શાળાઓ પણ લોકોમાં પોતાના પર્ફોર્મન્સના આધારે લોકપ્રિય બની રહી છે.

વાંકાનેર, ટંકારાની સરકારી શાળાના પર્ફોર્મન્સમાં સુધારો ન દેખાયો
મોરબી,હળવદ,માળીયા મિયાણાની શાળાઓના પરિણામમાં સુધારો આવી રહ્યો છે અમુક સ્કૂલમાં તો ખૂબ મોટા પાયે સુધારો નજરે પડ્યો છે. જો કે વાંકાનેર અને ટંકારાની સરકારી શાળામાં હજુ જોઈએ તેટલો સુધારો સામે આવ્યો નથી. જિલ્લા શિક્ષણ વિભાગ આ તાલુકામાં આવનાર વર્ષોમાં પરિણામમાં સુધારો આવે તેવા પગલા લેશે જરૂર જણાયે કડક એકશન લેવા પડે તો તેમાં પણ શરમ સંકોચ વિના એકશન લે તે જરૂરી છે, જે શાળાઓમાં હજુ 30 ટકા કરતા ઓછું પરિણામ હોય તેવી શાળા પર કાર્યવાહી થાય તે જરૂરી છે.

મોરબી જિલ્લાના 48 વિદ્યાર્થીને એ 1 ગ્રેડ
મોરબી જિલ્લામાં કુલ 48 છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યો હતો જ્યારે 552 છાત્રો A2 ગ્રેડ સાથે પાસ થયા હતા. 1145 છાત્રોને B1 ગ્રેડ જ્યારે 1430 છાત્રોને B2 ગ્રેડ મળ્યો હતો. 1180 છાત્રોને C1 અને 410 છાત્રો C2ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે જ્યારે માત્ર 33 છાત્રો જ D ગ્રેડ સાથે પાસ થયા હતા તો એક પણ છાત્રને E1 ગ્રેડ નથી મળ્યો. કેન્દ્ર મુજબ જોઈએ તો હળવદ કેન્દ્રનું સૌથી સારું પરિણામ 1418 છાત્રમાંથી 1331 ઉત્તીર્ણ થતા કેન્દ્રનું પરિણામ 94.26 ટકા રહ્યું છે તો સૌથી ઓછું મોરબી કેન્દ્રનું 87.21 ટકા રહ્યું હતું. જેમાં 2650 છાત્રોમાથી 2311 ઉત્તીર્ણ થયા હતા. વાંકાનેરમાં 969 છાત્રમાથી 968 છાત્રો હાજર રહ્યા હતા અને તેમાંથી 857 છાત્રો પાસ થયા હતા આ જ પ્રકાર ટંકારામાં 473 છાત્રોમાથી 469 છાત્રોએ પરીક્ષા આપી હતી અને 415 છાત્રો પાસ થયા છે.

અન્ય સમાચારો પણ છે...