મોરબી પાલિકા વિસ્તારમાં ગરીબ પરિવારને ઘરનું ઘર અપાવવા રાજ્ય સરકારની ગ્રાન્ટથી બનતા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત 608 આવાસ બનાવવા ડીસેમ્બર 2013માં અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન નામની અમદાવાદની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જેતે સમયે એજન્સીને કોન્ટ્રકટ મળ્યો ત્યારે 12 મહિનામાં કામ પૂર્ણ કરવાની શરત રાખવમાં આવી હતી જો કે 31 મે 2022 સુધી આવાસના કામ પૂર્ણ થયા ન હતા અને એજન્સી કામ અધુરી મુકીને જતી રહી છે.
આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા એજન્સીને પત્ર લખી કામગીરી પૂર્ણ કરવા જાણ કરવા છતાં એજન્સી દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવતા અંતે મોરબી પાલિકા ચીફ ઓફિસર દ્વારા એજન્સીનો કોન્ટ્રકટ રદ કરી દીધો છે અને એજન્સીએ જે તે સમયે ભરેલી રૂ 97,64,615 ડીપોઝીટ જપ્ત કરી છે.
ક્રિષ્ના એજન્સીને મોક્લવામાં આવેલ આખરી નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી આવાસ યોજના અનુસંધાને પાલિકાની કામધેનું પાર્ટી પ્લોટ વિસ્તાર નજીક સર્વે નંબર 1415માં રૂ 16,62,05,515ની કિમતની અંદાજીત કિમત કરતા 11.81 ટકા ઉચાં ભાવ સાથે એટલે કે 18,58,32,251 નો વર્ક ઓર્ડર આપ્યો હતો જેમાં આવાસના તમામ કામ પૂર્ણ કરી પાલિકાને કમ્પ્લીટ વર્ક પૂર્ણ કરી આપવા જણાવ્યું હતું તેમ છતાં કામ બાકી રહેતા પાલિકા દ્વારા એજન્સીનો કરાર રદ કરી તેઓની રૂ 97.64 લાખની સિક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરી હોવાનું તેમજ બાકી રહેતી રકમ રૂ 3,84,72,378 નોટીસ મળ્યાના 15 દિવસમાં ભરપાઈ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
કામ અધૂરું છતાં 18 કરોડ ચૂકવી દેવાયા, હવે રિકવરી કરવા નોટિસ
મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ફાળવામાં આવેલી ગ્રાન્ટના હાલ એક પણ રૂપિયા પાલિકા પાસે નથી અને તે અંગેનું રેકર્ડ તપાસવામાં આવી રહી છે હાલ પૂરતું એટલું સામે આવ્યુ છે કે એજન્સીને સોંપેલી કામગીરીનું કામ હજુ મોટા પાયે બાકી છે તેમ છતાં મારા ચાર્જ સંભાળ્યા પહેલા એજન્સીને રૂ.18 કરોડ જેટલું પેમેન્ટ કરી દેવાયાનું સામે આવ્યું છે. અને તેના માટે જે પણ નિયમ અનુસરવાના હોય તે તમામ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે.
હાલ આ અંગેના જુના રેકર્ડ મેળવી અને તેની ચકાસણી કરાશે ત્યારે સંપૂર્ણ હકીકત સામે આવશે. હાલ પાલિકા દ્વારા એજન્સીને નોટિસ આપી કામ પૂર્ણ ન થયું હોવાથી બાકી નીકળતા રૂ.3,84,72,378 પરત આપવા જણાવ્યું છે એજન્સી 15 દિવસમાં નાણાં પરત નહિ કરે તો તેમની સામે જરૂર પડ્યે ફોજદારી પગલા પણ લેવાશે. - સંદિપસિંહ ઝાલા, ચીફ ઓફિસર, મોરબી
4 પેકેજમાં કરવાની કામગીરી અધૂરી
પેકેજ | બાકી કામ રૂ. |
1 | 2.35 કરોડ |
2 | 1.31 કરોડ |
3 | 61.30 લાખ |
4 | 53.93 લાખ |
કુલ | 4,82,36,993 કરોડ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.