જળસંકટ:મોરબીના છેવાડાના બોડકી, કુંતાસી ગામે જળસંકટ, ખાલી બેડાં પછાડી મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેમને ટેન્કરથી પાણી મગાવવું ન પોસાય તેમણે 3 કિલોમીટરની પદયાત્રા
  • રાજપર દહીંસરા ગામે પીવાનું પાણી ભરવા જવાનું !
  • સમુદ્રથી દોઢ કિમી દૂર આ ગામોમાં બોર-કૂવામાં ખારું અને પીવામાં ઉપયોગમાં ન લઇ શકાય તેવું પાણી આવે

સૌની યોજના આવી જતાં અનેક જિલ્લાના મહત્તમ ગામોમાં જળસંકટ હળવું બની ગયું છે પરંતુ સદંતર નાબૂદ તો નથી જ થયું. જ્યાં આ યોજના નથી પહોંચી તેવા છેવાડાના વિસ્તારોની હાલત ઉનાળો નજીક આવતાંની સાથે જ દયનીય અને કપરી બની જતી હોય છે. મોરબી જિલ્લાના બોડકી અને કુંતાસી ગામના લોકોની હાલત પણ આવી જ બની રહી છે.

પીવા માટેનું મીઠું પાણી ગ્રામ પંચાયત દ્વારા અપાતું નથી અને બોરમાંથી આવતું પાણી ખારું હોય છે જે પીવામાં ચાલી શકે તેમ નથી. આથી મહિલા વર્ગમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. બેડાયુધ્ધ રોજિંદા દ્રશ્યો બની રહ્યા છે. જ્યારે ટેન્કર આવે ત્યારે પીવાનું પાણી ભરી લેવાનું અને તેમાં પણ માથાકૂટ થતી હોવાથી મહિલાઓ વીફરી હતી અને ખાલી બેડા પછાડી ગ્રામ પંચાયતની નીતિ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને હવે જો કોઇ કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી આપી પણ આપી હતી.

આમરણ ચોવીસીમાં આવતું બોડકી ગામ મહિનાથી ભયંકર પાણીની તંગી સામે ઝઝૂમી રહ્યું છે. પાણી વિના બોડકી ગામના લોકોની હાલત અત્યંત દયનીય બની છે. અહીંથી સમુદ્ર કિનારો માત્ર 1 થી 2 કિમી દૂર હોય તેના કારણે બોર કે કુવામાં પણ મીઠું પાણી નથી આવી રહ્યું .જે પાણી આવે તે એટલું ખારું છે કે પીવાનું તો દૂર ઘરના રોજીંદા વપરાશમાં પણ ઉપયોગમાં પણ લઇ શકાતું નથી. જેના કારણે ખાનગી ટેન્કરથી પીવાનું પાણી મંગાવવું પડી રહ્યું છે, તો જે લોકો પાણીના ટેન્કર મંગાવવા આર્થિક રીતે સક્ષમ નથી, તેઓને 3 કિ.મી દૂર આવેલા રાજપર દહીંસરા સહિતના ગામમાં ભરવા જવું પડે છે.

20 દિવસથી પીવાનું પાણી આાવતું જ નથી
બોડકી ગામમાં છેલ્લા 20 દિવસથી સાવ પીવાનું પાણી જ આવતું ન હોય જેના કારણે લોકોની હાલત એકદમ કફોડી બની ગઈ છે. ગામ લોકોના જણાવ્યા મુજબ આ ગામમાં પીપળીયા સંપથી અગાઉ પાણીની લાઈન આપવામાં આવી હતી. આ લાઈન બોડકીથી 17 કિમી દૂર આવેલી હોય અને વચ્ચે ઘણા ગામ આવતા હોવાથી તેમના ગામ સુધી પાણી પહોંચતું નથી. જેના કારણે તેમના ગામથી 8 કિમી દુર હજનાળી સંપમાંથી લાઈન લેવામાં આવી હતી.

જો કે જામનગર જિલ્લામાંથી મોરબી જિલ્લામાં આવેલા આમરણ ચોવીસીના 18 ગામના લોકોએ વિરોધ કરતા પાણીનું કનેક્શન કાપી દેવામાં આવ્યું છે, જેના કારણે બોડકી ગામે દિવાળી બાદથી પાણી મળતું નથી. શિયાળામાં પાણીની જરૂરિયાત ઓછી હોવાથી તંગીનો સામનો કરવો પડયો ન હતો પરંતુ જેમ જેમ ઉનાળો તપી રહ્યો છે તેમ તેમ ગામમાં પાણીનું સંકટ વિકરાળ બની રહ્યું છે જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે હસ્ત ક્ષેપ કરી આ વિસ્તારમાં પીવાના પાણી ઉકેલ લાવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.

કુંતાસી ગામના 2,000 લોકો કૂવાનું પાણી પીવા મજબૂર
બોડકી ગામ જેવી જ હાલત તેની બાજુમાં આવેલા કુંતાસી ગામની છે. 2000થી વધુ લોકોનો વસવાટ છે. અહીં પણ છેલ્લા મહિનાથી પીવાનું પાણી આવતું નથી. જેથી લોકો બોર અને ખુલ્લા કૂવામાંથી ખારું પાણી પીવા મજબૂર બન્યા છે. રોજિંદી જરૂરિયાત અને વપરાશ માટે પાણીની તંગી ઉભી થઈ છે. જેમ જેમ ઉનાળો તપી રહ્યો છે તેમ તેમ સ્થિતિ ખરાબ થઈ રહી છે. જો તંત્ર પાણીની વ્યવસ્થા નહીં કરે તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...