સિરામિક ઉદ્યોગ લાંબા સમયથી ગેસના ઊંચા ભાવથી પરેશાન હતો, એક તરફ બજારમાં મંદી બીજી તરફ રો-મટિરિયલ સહિતના વધતા ભાવથી ઉદ્યોગકારોની હાલત બેહાલ થઇ ગઈ હતી, અગાઉની રજૂઆત સાંભળીને સરકારે દિવાળી સમયે ભાવમાં ઘટાડો આપ્યો હતો ત્યારે ફરી એકવાર ભાવમાં ઘટાડો કરાય આવે તેવા સબળ અણસાર સાંપડી રહ્યા છે. ક્યુબીક મીટર દીઠ રૂ 5નો ઘટાડો કરાયો છે તેવા અણસાર સાંપડી રહ્યા છે, બીજી તરફ ગુજરાત ગેસ દ્વારા સતાવાર જાહેરાત થવાની બાકી છે.
ઉદ્યોગકારો પ્રોપેન ગેસ તરફ વળતાં સરકારને રેલો આવ્યો !
ગુજરાત ગેસના વધતા ભાવ, આપખુદ શાહીને પગલે ઉદ્યોગકારો પ્રોપેન ગેસના વપરાશ તરફ આગળ વધ્યા હતા તેમાં હવે અદાણી ગ્રૂપની એન્ટ્રી થતા અધિકારીઓના પેટમાં ફાળ પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સૌથી વધુ ગેસના વપરાશ કરતા સિરામિક ઉદ્યોગકારોમાંથી 40 ટકા વધુ કારખાનેદારો પ્રોપેન ગેસ તરફ વળી ગયા છે, ભવિષ્યમાં અન્ય ઉદ્યોગકારો વળે તો તેનું નુકસાન મોટાપાયે થવાની ભીતિ સેવાઈ રહી હતી, ગુજરાત સરકારના કમાઉ દીકરા સમાન ગુજરાત ગેસને ખોટના ખાડામાં જવાનો અંદેશો આવી ગયો હોય તેમ ભાવ ઘટાડાનો નિર્ણય લેવા મજબૂર બન્યા છે.
રજૂઆતનો સાનુકૂળ પ્રતિભાવ મળતા અમૃતિયાએ આભાર માન્યો
ગુજરાત ગેસ દ્વારા આ અંગે સતાવાર જાહેરાત થાય તે પહેલા મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે ચુંટાયેલા ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ આ માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે તેમણે ઉમેર્યું હતું કે આ ભાવ ઘટાડા માટે સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાને કરવામાં આવેલી રજૂઆતનો સફળ પડઘો પડ્યો છે. મોરબી સહિત ગુજરાતમાં રેકર્ડ બ્રેક બેઠકો જીત મેળવ્યા બાદ સરકારે ઉદ્યોગકારોને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
ગેસના ઉંચા ભાવથી પરેશાન સિરામિક ઉદ્યોગને રાહત મળે તે માટે રૂ 5 પર ક્યુબીક મીટર દીઠ ઘટાડો થવાથી ઉદ્યોગને ભારે રાહત થશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષને મળેલા જનાદેશ અને પ્રચંડ સમર્થન બાદ લોકો ઉપયોગી કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.