તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:મોરબીમાં 18+ને કોરોનાથી સુરક્ષિત કરતાં છ મહિના થશે

મોરબી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
રજિસ્ટ્રેશન બાદ યુવાનોની રસીકરણ માટે કતાર. - Divya Bhaskar
રજિસ્ટ્રેશન બાદ યુવાનોની રસીકરણ માટે કતાર.
 • મોરબી જિલ્લામાં રોજ વેક્સિનના 3,000 ડોઝ આપવામાં આવી રહ્યા છે અને સાત દિવસમાં 4.97 લાખ યુવાન પૈકી 19,253 લોકોને રસી અપાઇ ગઇ
 • 45 પ્લસ માટે રસીનો જથ્થો ન વધારાય ત્યાં સુધી જિલ્લામાં ડોર ટુ ડોર વેક્સિનેશન શરૂ કરવામાં નહીં આવે : જે તે સેન્ટર પર જ થઇ રહ્યું છે રસીકરણ

મોરબીમાં 18 થી 44 વયના લોકો માટે કોરોનાની વેક્સિન આપવાનું સાત દિવસથી શરૂ થયું છે જેમાં 15 કેન્દ્ર ઉપર 200-200 લોકોને વેક્સિન અપાય છે, જે મુજબ દૈનિક 3000 ડોઝ અપાય છે. પરંતુ દૈનિક 90 ટકાથી ઉપર વેક્સિનેશન થાય છે. અમુક કિસ્સામાં એવું બને છે કે યુવાનો રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લેવા આવતા નથી અને એટલે જ 90 ટકા જેટલું વેક્સિનેશન થાય છે. બુધવારે મમતા દિવસ હોવાથી તમામ સેન્ટરો પર 100-100 ડોઝ અપાયા હતા, જે આજ ગુરુવારથી ફરી 200-200 ડોઝ આપવાનું શરૂ થઈ ગયું છે.

મોરબી જિલ્લામાં 18 થી 44 વર્ષની વયના 4,97,222 લોકો છે, જેમાંથી બુધવાર સુધીમાં 16,412 લોકોનું વેક્સિનેશન થયું છે અને ગુરુવારનો આંક ઉમેરીએ તો 19,253 લોકો સુરક્ષિત બની ગયા હતા. જો આ જ રીતે આટલું જ વેક્સિનેશન થાય તો પણ આગામી છ મહિના જેટલો સમય થઇ જશે. હાલમાં વેક્સિનેશનના સ્લોટ માટે પડાપડી થઇ રહી છે તે જોતાં આગામી થોડા દિવસમાં વેક્સિનેશનના ડોઝ વધુ ફાળવવામાં આવે તેવી શક્યતા હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે.

વેક્સિન આપવાના કેન્દ્રો બદલતા રહેશે
હાલમાં 15 જગ્યાએ 18 થી 44 વયના લોકોને વેક્સિન અપાય છે. 4 તારીખે શરૂઆત થઈ એ પછી શહેરી વિસ્તારના વેક્સિન કેન્દ્ર યથાવત રાખી અમુક સેન્ટર બદલવામાં આવ્યા હતા. હજુ પણ ગ્રામ્ય વિસ્તારોના સેન્ટરો બદલતા રહેશે. જે ગ્રામ્ય વિસ્તારના પીએચસી કે સીએચસી કેન્દ્રની આસપાસના ગામોમાં વધુ વેક્સિનેશન થઇ ગયું હોય તેમજ સ્થાનિક ગામમાં વધુ વેક્સિનેશન થઈ ગયું હોય તેવા કેન્દ્રોને રોટેશનમાં બદલવામાં આવશે.

હજુ ડર, અંધશ્રદ્ધા અને અફવાનું બજાર ગરમ
મોરબી જિલ્લામાં વયસ્કો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન શરૂ કરવામાં નથી આવ્યું પરંતુ જે તે આરોગ્ય કેન્દ્રોમાં કે સિવિલમાં રસીકરણ થઇ રહ્યું છે. પરંતુ પછાત વિસ્તારો, ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં રસી લેવામાં જોઇએ એટલો ઉત્સાહ 44 પ્લસ લોકોમાં દેખાતો નથી અને ક્યાંકને ક્યાંક ડર, અંધશ્રધ્ધા કે અફવા કારણભૂત છે કે સમજાવટ છતાં લોકો રસીકરણ કેન્દ્ર સુધી આવતા નથી. આથી અારોગ્ય કર્મચારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઅોના પગે પાણી ઉતરી રહ્યા છે.

18 થી 44 વય જૂથ માટે વેક્સિનના સ્થળમાં ફેરફાર
મોરબી તાલુકો

 • સિવિલ હોસ્પિટલ મોરબી
 • સંસ્કાર ઇમેજિંગ સેન્ટર મોરબી
 • અર્બન હેલ્થ સેન્ટર લીલાપર (પરસોતમ ચોક, મોરબી)
 • PHC લાલપર
 • સબ સેન્ટર રાજપર
 • PHC બગથળા
 • PHC ખરેડા
 • સબ સેન્ટર મહેન્દ્રનગર
 • વાંકાનેર તાલુકો
 • SDH વાંકાનેર
 • PHC મેસરિયા
 • ટંકારા તાલુકો
 • PHC લજાઈ
 • PHC નેકનામ
 • માળિયા તાલુકો
 • PHC ખાખરેચી
 • હળવદ તાલુકો
 • SDH હળવદ
 • PHC રણમલપુર
અન્ય સમાચારો પણ છે...